કચ્છમાં કથળતી શિક્ષણ વ્યવસ્થા, શિક્ષકોની ઘટ પુરી કરવા કોંગ્રેસની માગ

ભુજ,કચ્છ જિલ્લામાં દિન પ્રતિદિન કથળતી શિક્ષણ વ્યવસ્થા મુદ્દે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક તેમજ પ્રાથમિક શાળાઓમાં હજારો શિક્ષકોની જગ્યાઓ ખાલી છે તેમ છતાં ગુજરાતની ભાજપ સરકાર આવા શિક્ષણ જેવા સંવેદનશિલ મુદ્દે ગંભીરતા લેતી નથી જે દુ:ખદ બાબત ગણાવી હતી.

ઉપરાંત અગાઉ જે શિક્ષકો ભરતી થતા હતા તે સ્થાનિક શાળામાં ૧૦ વર્ષ સુધી રહીને શૈક્ષણિક કાર્ય સંભાળતા હતા પરંતુ હાલમાં ભાજપની સરકારે આવા નિર્ણયો પરત ખેંચી લેતા કચ્છમાં હજારોની સંખ્યામાં શિક્ષકોની જગ્યા ખાલી પડી છે જ્યારે ભરતી કરાય છે ત્યારે બિનઅનુભવી, જ્ઞાનસહાયક જેવા શિક્ષકોની ભરતી થાય છે તેઓ પણ નિમણૂક મેળવ્યા બાદ તરત જ બદલી કરાવી લે છે, જે બાબત ખૂબ જ દુ:ખદ છે ખરેખર કચ્છ જિલ્લામાં સ્થાનિક શિક્ષકોને પ્રાધાન્ય આપી ભરતી કરવી જોઈએ અને શિક્ષણનું ખાનગીકરણ અટકાવવું જોઈએ અને સરહદી કચ્છ જિલ્લાની શિક્ષણ વ્યવસ્થા સુધરે તે માટે નક્કર આયોજન કરવું જોઈએ.

જો આયોજન નહીં થાય તો સરકારી શાળાઓમાં અભ્યાસ કરી રહેલ ગરીબ વર્ગના બાળકો માટે શિક્ષણ મેળવવું ખૂબ જ મુશ્કેલ થઈ પડશે કોંગ્રેસપક્ષે આવેદનપત્રમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે જો યોગ્ય નહીં થાય તો શિક્ષણ કચેરીને ઘેરાવો, ધરણા જેવા ઉગ્ર કાર્યક્રમો આપવાની ફરજ પડશે આ આવેદનપત્ર આપતી વેળાએ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઈ સોલંકી, ધીરજ ગરવા, ચેતન જોશી સહિતના આગેવાનોએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસે ઉગ્ર રજૂઆતો કરી અવાજ ગુજરાત સરકાર સુધી પહોંચાડવા માંગ કરી હતી.