કુરૂક્ષેત્રમાં સુરજમુખી ખરીદીમાં ટેકાના ભાવ માંગી રહેલા ખેડુતો પર પોલીસનો લાઠીચાર્જ

નવીદિલ્હી, દિલ્હીમાં ફરી શરૂ થયેલી આંદોલનની મોસમમાં એક તરફ પાટનગરમાં મણીપુરના કુકી આદીવાસીઓ ધરણા કરી રહ્યા છે અને પહેલવાનોનું આંદોલન હજુ યથાવત છે તે વચ્ચે હરિયાણામાં સુરજમુખીની ટેકાના ભાવે ખરીદીની માંગ સાથે હજારો ખેડુતોએ ફરી માર્ગો પર ઉતરીને શાહબાદ સહિત પાંચ સ્થળોએ જામ કરી દેતા પોલીસે આંદોલનકારીઓને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો.

તો હવે ખેડુતોની માંગને ટેકો આપવા ક્સિાન નેતા રાજેશ ટિકેટ પણ શાહબાદ પહોંચી રહ્યા છે જેથી સ્થિતિ ભડકે તેવી સંભાવના છે. ખેડુતોએ અહી નેશનલ હાઈવે ૧૫૨ડી જામ કરી દેતા રાત્રીભર ભારે જામ થયો હતો તો પોલીસે એક તબકકે સમજાવટ બાદ ટ્રાફીક કલીયર કરવાનો માર્ગ બનાવ્યો હતો.

સવારથી ફરી એક વખત ખેડુતો હાઈવે પર એકત્રીત થવા લાગતા તેઓને વિખેરવા લાઠીચાર્જ કરાયો હતો. હવે રાકેશ ટિકેટ પહોચતા જ વધુ ખેડુતો પહોંચશે અને હાઈવે ઉપરાંત રેલવે માર્ગ પણ જામ કરે તેવી ધારણા છે તો પહેલવાન બજરંગ પુનીયાએ એક ટવીટ કરી ખેડુતોના આંદોલનને ટેકો આપ્યો હતો.