ઠાસરા , ગુજરાત રાજ્યએ વિવિધ ક્ષેત્રોમાં વિકાસના અનેક સોપાનો સર કરી પ્રગતિના પંથે હરણફાળ ભરી છે. ગુજરાત રાજ્યની ભવ્ય અને વિકસિત આવતકાલ સુનિશ્ચિત કરલા રાજ્યના નાના ભુલકાઓ સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે અતિ આવશ્યક છે અને એટલે જ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ થકી રાજ્યના તમામ બાળકોની સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા રાજ્યનું આરોગ્ય વિભાગ તથા સંકલિત બાળ વિકાસ વિભાગ કાર્યરત છે. ત્યારે NFHS-5ના સર્વે અનુસાર ખેડા જીલ્લામાં નોંધાયેલ અતિ-કુપોષિત બાળકોનું પોષણ સ્તર ઊંચું લાવવા અને ખેડા જીલ્લાને કુપોષણ મુક્ત કરવા માટે જીલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલ દ્વારા એક પહેલ કરવામાં આવી છે.
NFHS-5ના સર્વે અનુસાર ખેડા જીલ્લામાં ગળતેશ્ર્વર, ઠાસરા અને મહુધા તાલુકામાં અતિ-કુપોષિત (Severe Acute Malnutrition-SAM) બાળકોનું પ્રમાણ અન્ય તાલુકાની સાપેક્ષમાં વધુ જોવા મળ્યું હતું. માટે કુપોષણને દૂર કરવાના અભિગમ સાથે સપ્ટેમ્બર 2023થી ગળતેશ્ર્વર, ઠાસરા અને મહુધા તાલુકામાં કુપોષણ મુક્ત ખેડા પાઇલોટ પ્રોજેકટની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટમાં અતિ-કુપોષિત બાળકોની સાથે ગંભીર ચિહ્નવાળી સગર્ભા (High Risk ANC) બહેનોને પણ આવરી લેવામાં આવી હતી.
આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ખેડા જીલ્લાના ઠાસરા તાલુકાના જશુના મુવાડા ખાતે રહેતા રૂદ્ર પરેશભાઈ રાઠોડની કુપોષણથી સુપોષણ સુધીની સફર જાણવા જેવી છે. કુપોષણ મુકત ખેડા અભિયાન અંતર્ગત જશુના મુવાડા સેજાની ખેરાના મુવાડા આંગણવાડી કેન્દ્રમાં RBSKની ટીમ દ્વારા સપ્ટેમ્બર 2023માં સ્ક્રીનીંગની કામગીરી દરમિયાન અઢી વર્ષના રૂદ્રનું વજન 8.800 કિ. ગ્રા અને તેની ઊંચાઈ 86 સે. મી. માલૂમ પડતા તેને અતિકુપોષીત (લાલ ગ્રેડ) કેટેગરીમાં નોંધવામાં આવ્યો હતો. રૂદ્રને ખાવા પ્રત્યે અરૂચિ હોવાના કારણે તેના વજનમાં સતત ઘટાડો જોવા મળતો હતો.
જીલ્લા આર. બી. એસ. કે. ટીમ અને આંગણવાડી કાર્યકર્તાઓના સતત મોનીટરીંગ દ્વારા રૂદ્રના વજનની નિયમિત ચકાસણી કરવામાં આવી. તેને નિયમિતપણે જરૂરી પૌષ્ટિક આહાર આપવામાં આવતા તેના સ્વાસ્થ્યમાં અને તેના વજનમાં સુધારો જોવા મળ્યો. સતત બે મહિનાના આ પ્રયાસો બાદ ડિસેમ્બર 2023માં રૂદ્રનું વજન 11.600 કિ. ગ્રા. અને તેની ઊંચાઈ 89 સે.મી. નોંધાતા તેના માતા પિતાએ જાણે હાશકારો અનુભવ્યો હતો.
જશુના મુવાડા સેજાની ખેરાના મુવાડા આંગણવાડી કેન્દ્ર ખાતે રૂદ્રને નિયમિત સવારનો નાસ્તો, બપોરનું ભોજન તેમજ સાંજે ત્રીજા ભોજનમાં ફળ, દૂધ, ટી.એચ.આર.ના લાડુ, હૈદરાબાદી મિક્સ જેવી પૌષ્ટિક વાનગીઓ મળતા તેની ખાવા પ્રત્યેની રૂચીમાં વધારો જોવા મળ્યો હતો. આમ બે મહિનાના સતત પ્રયાસો અને મોનીટરીંગથી 2.800 કી. ગ્રા. વજનનો વધારો જોવા મળ્યો. વજનના સુધારાની સાથે સાથે રૂદ્રના શારીરિક અને માનસિક વિકાસમાં પણ સુધારો જોવા મળ્યો હતો.
રૂદ્રના માતા તુલસીબેન પરેશભાઈ રાઠોડ જણાવે છે કે, આઈ.સી.ડી.એસ. અંતર્ગત શરૂ કરવામાં આવેલ કુપોષણ મુક્ત ખેડા પાયલોટ પ્રોજેક્ટ થકી છેલ્લા 3 મહિનામાં રૂદ્રના સ્વાસ્થ્યમાં ઘણો સુધારો જોવા મળ્યો છે. તેનું વજન વધ્યું છે અને તે ખોરાક પણ સારી રીતે લઈ શકે છે. આંગણવાડી કેન્દ્રના કાર્યકરો દ્વારા તેને નિયમિત પૌષ્ટિક આહાર તરીકે બાળશક્તિના પેકેટ્સ આપવામાં આવે છે અને આર.બી.એસ.કે. ટીમ દ્વારા તેનું સતત મોનીટરીંગ પણ કરવામાં આવે છે.
વધુમાં તેઓ જણાવે છે કે, આંગણવાડીની બહેનો દ્વારા ગર્ભાવસ્થા સમયથી લઇ બાળકની ડીલીવરી સુધી કાળજી રાખવામાં આવે છે અને કુપોષણ મુક્ત ખેડા અભિયાન હેઠળ હાલમાં બાળકના જન્મ બાદ કેટલા પ્રમાણમાં ખવડાવવું, કેવા પ્રકારનું કઠોળ, અનાજ ખાવું અને માતા સાથે સાથે બાળકને તમામ પોષક તત્વો મળી રહે તેની જાણકારી આંગણવાડી વર્કર બહેનો દ્વારા વિવિધ કાર્યક્રમોના આયોજન થકી આપવામાં આવે છે. રૂદ્રના વજન અને શારીરિક વિકાસથી એક માતા તરીકે તેઓ ખુબજ ખુશ છે. અને તેમના બાળકને આ પ્રોજેક્ટ થકી લાભ આપવા બદલ રાજ્ય સરકારનો, ખેડા જીલ્લાની આરોગ્યની ટીમ, આંગણવાડી વર્કર, તેમજ આશા વર્કરનો અભાર માને છે.
કુપોષણ મુક્ત ખેડા પાયલોટ પાયલોટ પ્રોજેક્ટ દરમિયાન ગળતેશ્ર્વર, ઠાસરા અને મહુધા તાલુકાના 150 અતિ કુપોષિત (Severe Acute Malnutrition) બાળકોની સારવાર કરતા તેમાંથી 140 બાળકો અતિકુપોષણ માંથી બહાર આવ્યા તેમજ 59 જોખમી સગર્ભા(High Risk ANC) બહેનોની સારવાર કરવામાં આવી. જેમાં 32 સગર્ભાની સુરક્ષિત પ્રસૂતિ કરવામાં આવી. કુપોષણ મુક્ત ખેડા પાયલોટ પ્રોજેક્ટની આ સફળતા બાદ હવે કુપોષણ મુક્ત ખેડા અભિયાનનું જીલ્લા કક્ષાએ અમલીકરણ થશે. જે અંતર્ગત જીલ્લાના 10 તાલુકામાં 500 અતિ કુપોષિત બાળકોને આવરી લઈ પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવનાર છે. જેમાં આ બાળકો અને માતોઓને RBSK ટીમ તથા આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા સતત મોનીટરીંગ કરી તેમના સ્વાસ્થ્ય અને પોષણની દરકાર લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, કુપોષણ મુક્ત ખેડા પાયલોટ પાયલોટ પ્રોજેક્ટ દરમિયાન જીલ્લાના આરોગ્ય અને ICDS વિભાગના સંકલનથી, ઓગષ્ટ અને સપ્ટેમ્બર 2023 દરમિયાન, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) ની 35 ટીમ દ્વારા જીલ્લાની 1900 થી પણ વધુ આંગણવાડીમાં નોંધાયેલ 0-6 વર્ષના બાળકોની આરોગ્ય તપાસણી (સ્ક્રીનીંગ) કરવામાં આવી છે.