
- શ્યોપુરના કુનો નેશનલ પાર્ક માં મંગળવારે વધુ એક ચિત્તો તેજસનું મોત થયું હતું. એની ગરદન પરના ઘા જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેજસે ચિત્તાઓની પરસ્પર લડાઈમાં જીવ ગુમાવ્યો છે.
પીસીસીએફ જેએસ ચૌહાણે આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે તેજસની ગરદન પર ઘા જોવા મળ્યા હતા. જેને જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેનું મોત પરસ્પર સંઘર્ષ દરમિયાન થયું છે. બુધવારે સવારે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. છેલ્લા ૪ મહિનામાં કુનોમાં મરનાર આ ૭મો ચિત્તા છે. ૭૦ વર્ષ પછી ચિત્તાઓ દેશમાં પરત ફર્યા હતા, જ્યારે ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના જન્મદિવસ પર કુનો નેશનલ પાર્ક ખાતે નામીબિયામાંથી લાવેલા ૮ ચિત્તાને રિલીઝ કર્યા હતા. આ વર્ષે ૧૮ ફેબ્રુઆરીના રોજ, દક્ષિણ આફ્રિકાના ૧૨ વધુ ચિત્તા કુનોમાં છોડવામાં આવ્યા હતા. એટલે કે, નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી કુલ ૨૦ ચિત્તા લાવવામાં આવ્યા હતા.

નામીબિયાથી લાવવામાં આવેલી સાશા નામની ૪ વર્ષની માદા ચિત્તાનું કિડનીના ઈન્ફેક્શનથી મૃત્યુ થયું હતું. વન વિભાગે કહ્યું કે ૧૫ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ નામીબિયામાં શાશાનો બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં ક્રિએટિનાઇનનું સ્તર ૪૦૦થી વધુ હતું. આ પુષ્ટિ કરે છે કે શાશાને ભારત લાવવામાં આવે તે પહેલા કિડનીની બિમારી હતી. શાશાના મૃત્યુ પછી, ચિત્તાઓની સંખ્યા ઘટીને ૧૯ થઈ ગઈ.નામીબિયાથી લાવવામાં આવેલી માદા ચિતા જ્વાલાએ ચાર બચ્ચાંને જન્મ આપ્યો હતો. આ સાથે કુનોમાં બચ્ચા સહિત ચિત્તાની સંખ્યા ૨૩ થઈ ગઈ છે.
દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલો ચિત્તા ઉદય મૃત્યુ પામ્યો. શોર્ટ પીએમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ચિતા ઉદયનું મૃત્યુ કાડયાક આર્ટરી ફેલ થવાને કારણે થયું હતું. મયપ્રદેશના ચીફ વાઈલ્ડલાઈફ વોર્ડન જેએસ ચૌહાણે જણાવ્યું કે ચિત્તાનું મૃત્યુ હૃદયની ધમનીમાં રક્ત પરિભ્રમણ બંધ થવાને કારણે થયું હતું. આ પણ એક પ્રકારનો હાર્ટ એટેક છે. આ પછી, કુનમાં બચ્ચા સહિત ચિત્તાની સંખ્યા ૨૨ રહી.
દક્ષાને દક્ષિણ આફ્રિકાથી કુનો લાવવામાં આવી હતી. જે.એસ.ચૌહાણે જણાવ્યું કે મેલ દીપડાને દક્ષાના ઘેરામાં મિટિંગ માટે મોકલવામાં આવ્યો હતો. મિટિંગ દરમિયાન જ બંને વચ્ચે હિંસક ઈન્ટરેક્શન થયું હતું. નર દીપડાએ દક્ષાને પંજા વડે માર મારીને ઇજા પહોંચાડી હતી. બાદમાં તેનું મૃત્યુ થયું હતું. આ પછી, કુનમાં બચ્ચા સહિત ચિત્તાની સંખ્યા ૨૧ રહી.
માદા ચિતા જ્વાલાના બચ્ચાનું મૃત્યુ થયું. જેએસ ચૌહાણે જણાવ્યું કે આ બચ્ચા જંગલી સ્થિતિમાં રહેતા હતા. ૨૩ મેના રોજ શ્યોપુરમાં ભારે ગરમી હતી. તાપમાન ૪૬થી ૪૭ ડિગ્રી સેલ્સિયસ હતું. દિવસભર ગરમ પવન અને હીટવેવ ચાલુ રહ્યું હતું. આવી સ્થિતિમાં વધુ પડતી ગરમી, ડિહાઈડ્રેશન અને નબળાઈ તેના મૃત્યુનું કારણ બન્યું હશે. આ પછી, કુનોમાં બચ્ચા સહિત ચિત્તાની સંખ્યા ૨૦ થઈ ગઈ.
પ્રથમ બચ્ચાના મૃત્યુ પછી, અન્ય ત્રણને ડોકટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. જેમાં વધુ બેના મોત થયા હતા. ઉચ્ચ તાપમાન અને હીટસ્ટ્રોકના કારણે તેમની તબિયત લથડી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. એકમાત્ર જીવિત બચ્ચાની હાલત હજુ પણ નાજુક છે. આ પછી કુનોમાં એક બચ્ચા સહિત માત્ર ૧૮ ચિત્તા બચ્યા છે.