કુલદીપે વનડેમાં સૌથી ઝડપી ૧૫૦ વિકેટ લીધી

કોલંબો, એશિયા કપ ૨૦૨૩ના સુપર ફોરમાં ભારતે શ્રીલંકાને ૪૧ રનથી હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે ટીમ ઈન્ડિયા ૧૫ સપ્ટેમ્બરે સુપર ફોરની છેલ્લી મેચમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. આ સાથે જ હવે ફાઇનલમાં પહોંચવા માટે શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે સ્પર્ધા છે. આ બંને ૧૪ સપ્ટેમ્બરે ટકરાશે, જે વર્ચ્યુઅલ નોકઆઉટ મેચ હશે. બેમાંથી હારનાર ટીમ બહાર થઈ જશે. મંગળવારે ભારતે શ્રીલંકાની વનડેમાં સતત ૧૩ જીતનો સિલસિલો પણ અટકાવ્યો હતો.

જોકે, વનડેમાં સતત સૌથી વધુ જીતના મામલે શ્રીલંકાની ટીમ ઓસ્ટ્રેલિયા પછી બીજા સ્થાને પહોંચી ગઈ છે. ઑસ્ટ્રેલિયા જાન્યુઆરી ૨૦૦૩ થી મે ૨૦૦૩ વચ્ચે સતત ૨૧ વનડે જીત્યું હતું. શ્રીલંકા સતત ૧૩ જીત સાથે બીજા ક્રમે છે, જ્યારે દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન સતત ૧૨ જીત સાથે બીજા સ્થાને છે. દક્ષિણ આફ્રિકાએ બે વખત ૧૨-૧૨ મેચ જીતવાની સિદ્ધિ મેળવી છે. પ્રથમ વખત તેણે ફેબ્રુઆરી ૨૦૦૫ થી જૂન ૨૦૦૮ વચ્ચે અને બીજી વખત સપ્ટેમ્બર ૨૦૧૬ થી ફેબ્રુઆરી ૨૦૧૭ વચ્ચે આવું કર્યું. તે જ સમયે, પાકિસ્તાને નવેમ્બર ૨૦૦૭ થી જૂન ૨૦૦૮ વચ્ચે સતત ૧૨ વનડે જીતી હતી.

શ્રીલંકા સામેની મેચમાં કુલદીપ યાદવે શાનદાર બોલિંગ કરી હતી. તેણે ૯.૩ ઓવરમાં ૪૩ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. શાનદાર ફોર્મમાં રહેલા આ ચાઈનામેન સ્પિનરે પાકિસ્તાન સામેની છેલ્લી મેચમાં તબાહી મચાવી હતી અને પાંચ વિકેટ ઝડપી હતી. શ્રીલંકા સામે ચાર વિકેટ લેવાની સાથે કુલદીપે વનડેમાં ૧૫૦ વિકેટ પણ પૂરી કરી હતી. તેણે ૮૮ મેચમાં આવું કર્યું હતું. તે વનડેમાં સૌથી ઝડપી ૧૫૦ વિકેટ લેનારો ડાબોડી બોલર બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ બાંગ્લાદેશના અબ્દુર રઝાકના નામે હતો. રઝાકે ૧૦૮ વનડેમાં આ કર્યું હતું.

વનડેમાં ૧૫૦ વિકેટ લેનારો સૌથી ઝડપી લેફ્ટ આર્મ સ્પિનર

કુલદીપ યાદવ ૮૮

અબ્દુર રઝાક ૧૦૮

બ્રાડ હોગ ૧૧૮

શાકિબ અલ હસન ૧૧૯

રવિન્દ્ર જાડેજા ૧૨૯

૧૫૦ વિકેટ પૂરી કરનાર સૌથી ઝડપી સ્પિનરો

કુલદીપ સ્પિનરોમાં ચોથા સ્થાને છે. તે વનડેમાં સૌથી ઝડપી ૧૫૦ વિકેટ પૂરી કરનાર ચોથો સ્પિનર છે. આ યાદીમાં પાકિસ્તાનનો સકલેન મુશ્તાક ટોપ પર છે. મુશ્તાકે ૭૮ મેચમાં આવું કર્યું હતું. જ્યાં અફઘાનિસ્તાનનો રાશિદ ખાન ૮૦ મેચ સાથે બીજા સ્થાને છે, જ્યારે શ્રીલંકાના અજંતા મેન્ડિસ ૮૪ મેચ સાથે ત્રીજા સ્થાને છે. વનડેમાં કુલદીપ ભારતનો સૌથી ઝડપી ૧૫૦ વિકેટ ઝડપનાર બીજો બોલર છે. આ યાદીમાં મોહમ્મદ શમી ટોપ પર છે. તેણે ૮૦ મેચમાં આ સ્થાન હાંસલ કર્યું હતું.

વનડે મેચમાં ૧૫૦ વિકેટ લેનાર સૌથી ઝડપી સ્પિનર

સકલીન મુશ્તાક ૭૮

રાશિદ ખાન ૮૦

અજંતા મેન્ડિસ ૮૪

કુલદીપ યાદવ ૮૮

ઈમરાન તાહિર ૮૯