રાજકોટ, રાજકોટ લોક્સભા બેઠક માટે ભાજપમાંથી પરશોત્તમ રુપાલા આજે ઉમેદવારી નોંધાવી છે. જો કે ઉમેદવારી નોંધવતા પહેલા તેમણે રાજકોટમાં વિશાળ રોડ શો કરીને શક્તિ પ્રદર્શન કર્યુ હતુ. સાથે જ રાજકોટના બહુમાળી ચોકમાં સભાને પણ સંબોધી હતી. જેમાં તેમણે ક્ષત્રિય સમાજને સાથ અને સહકાર આપવા કહ્યુ હતુ. ભારે વિવાદ વચ્ચે પણ અંતે પરશોત્તમ રૂપાલા આજે રાજકોટ બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભર્યુ છે. ફોર્મ ભરતા પહેલા તેમણે આજે રાજકોટમાં માઈ મંદિરમાં દર્શન કર્યા હતા. જાગનાથ મંદિરેથી પદયાત્રા કરીને તેઓ બહુમાળી ચોક ખાતે સભા સ્થળ પર પહોંચ્યા હતા.
બહુમાળી ચોક ખાતે તેમણે વિશાળ સભાને સંબોધી હતી. સાથે જ વિશાળ રોડ શો પણ કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા. રોડ શોમાં કેટલાક ક્ષત્રિય આગેવાનો પણ હાજર રહ્યા હતા.
રાજકોટમાં બહુમાળી ચોકમાં સભા સંબોધન દરમિયાન પરશોત્તમ રુપાલાએ જનતાને કહ્યુ હતુ કે તમારા વિસ્તારમાં મત આપવાનું અભિયાન ચલાવજો અને દરેક બુથમાં ૧૦૦ ટકા મતદાન થાય તે માટે પ્રયાસ કરજો. તેમણે કહ્યુ હતુ કે ભાજપના ચૂંટણી ઢંઢેરામાં વિકાસનો રોડ મેપ છે.જેથી વૈશ્ર્વિક મંચ પર ભારત મજબુત બને તે માટે મોદી સરકારને પ્રચંડ બહુમતિ અપાવજો. સાથે જ તેમણે ક્ષત્રિય સમાજના તમામ આગેવાનોનો આભાર માન્યો હતો અને ક્ષત્રિય સમાજને સાથ અને સહકાર આપવા વિનંતી કરી હતી. મહત્વનું છે કે ગઇકાલે ગાંધીનગરમાં ક્ષત્રિય સંકલન સમિતિ અને સરકાર વચ્ચેની વધુ એક બેઠક નિષ્ફળ રહી. સમાધાનની ચર્ચા છતા બેઠકમાં ઉકેલ આવ્યો નહીં. ક્ષત્રિય આગેવાનો પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ પર અડગ જોવા મળ્યો. ક્ષત્રિય સંકલન સમિતિના આગેવાનોને પણ આ બેઠકમાં આવવા માટેનુ આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. જો કે મળતી માહિતી પ્રમાણે આ બેઠકમાં ક્ષત્રિયો હાજર જ રહ્યા ન હતા.