
ભુજ, રાજકોટ લોક્સભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે વિરોધ વચ્ચે ક્ષત્રિય સમાજના સમર્થનમાં માંડવી તાલુકા પંચાયતના સભ્ય ભૂપેન્દ્રસિંહ જાડેજાએ ભાજપમાંથી રાજીનામુ આપ્યું છે. કચ્છ જિલ્લામાં પખવાડિયાથી વિરોધ અને ધર્મરથ વચ્ચે ભાજપમાંથી રાજીનામાની પ્રથમ ઘટના છે.
કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવશીભાઈ વરચંદને માંડવી તાલુકા પંચાયત ગુંદિયાળી સીટ પર ચુંટાયેલા ભુપેન્દ્રસિંહ બચુભા જાડેજાએ જણાવ્યું હતું કે, તેઓ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપે છે. તેઓ ભાજપના વર્ષો જુના કાર્યકર છે.
રાજપુત સમાજ વિશે કરેલી ટિપ્પણી સંદર્ભે રૂપાલાની ટિકિટ નહીં કાપીને સરકારે રૂપાલાના વાણીવિલાસને સમર્થન આપ્યું છે. ભાજપ સામે સમાજે છેડેલી લડાઈને પોતે સમર્થન જાહેર કર્યું છે. તેઓ માટે સમાજ પ્રથમ છે અને જે સમાજ સાથે ના રહે તો તેમને સમાજ ક્યારેય માફ ન કરે. ભુપેન્દ્રસિંહે રાજીનામુ પાઠવતા બેડામાં ચર્ચા ચકડોળે ચડી છે.