લોક્સભા ચૂંટણી ૨૦૨૪માં ગુજરાતની સૌથી વધુ હોટ સ્પોટ અને ચર્ચાસ્પદ બેઠક રાજકોટથી આખરે ભાજપના પરશોત્તમ રૂપાલાની ૪ લાખથી વધુ મતોથી જીત થઈ છે. ગુજરાતની ૨૬ બેઠકો પૈકી રાજકોટ બેઠક આ વખતે સૌથી વધુ વિવાદમાં અને ચર્ચામાં રહી હતી. પરશોત્તમ રૂપાલાના એક કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિયો વિશે કરેલા એક નિવેદન બાદ વિવાદ છેડાયો અને ક્ષત્રિયો નારાજ થઈ ગયા હતા. જે બાદ સમગ્ર રાજ્યમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિનું નિર્માણ થયુ હતુ. રાજ્યભરમાં રૂપાલા સામે વિરોધ શરૂ થયો હતો અને ભાજપ સામે રાજકોટથી ઉમેદવાર બદલવા માટે દબાણ કરવામાં આવ્યુ હતુ.
જો કે ભાજપે એકના બે ન થતા રાજકોટથી ઉમેદવાર બદલ્યા ન હતા. ત્યારે ક્ષત્રિય સંકલન સમિતિએ ભાજપ વિરોધી મતદાન કરવાનું મન બનાવ્યુ હતુ. આ તમામ ઘટનાક્રમ વચ્ચે રૂપાલા ૪ લાખથી વધુ લીડથી આગળ રહ્યા છે. રૂપાલાને ૭,૮૭,૬૬૦ મતોથી આગળ છે. જ્યારે કોંગ્રેસના પરેશ ધાનાણીને ૩૩૫૦૬૯ મત મળ્યા છે.
રાજકોટ બેઠક પરથી પરશોત્તમ રૂપાલા પ્રથમવાર લોક્સભા ચૂંટણી લડ્યા છે. આ અગાઉ તેઓ ક્યારેય લોક્સભાની ચૂંટણી લડ્યા નથી. તેઓ રાજ્યસભાના સાંસદ રહી ચુક્યા છે અને મત્સ્ય અને પશુપાલન મંત્રાલય સંભાળી રહ્યા છે. આ અગાઉ તેઓ અમરેલીથી ધારાસભ્ય પણ રહી ચુક્યા છે.