ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના સપના પર પાણી ફેરવવાનું કામ સમાજવાદી પાર્ટીએ કર્યું છે. કાઉન્ટિંગ જોકે હજુ ચાલુ છે. ફાઈનલ પરિણામ આવવામાં સમય લાગશે પરંતુ જે સ્થિતિ હાલ જોવા મળી રહી છે તે જોતા એવું લાગે છે કે ભાજપને આ મહત્વના રાજ્યમાં મોટું નુકસાન થઈ રહ્યું છે. 400નું સપનું તો તૂટ્યું જ પરંતુ સાથે સાથે પોતાના દમ પર સરકાર બનાવવામાં પણ લથડિયા ખાતી જોવા મળી રહી છે. ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ યુપીમાં ભાજપ 33 સીટો પર અને સમાજવાદી પાર્ટી 36 બેઠકો પર આગળ છે.જ્યારે કોંગ્રેસ પણ 7 બેઠકો પર આગળ છે. સ્પષ્ટ છે કે ઈન્ડિયા ગઠબંધન એનડીએને માત આપતું જોવા મળી રહ્યું છે. જેનો મોટો શ્રેય સમાજવાદી પાર્ટીના મુખિયા અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને પણ જશે. જે રીતે સપાએ લડાઈ લડી તેનું પરિણામ છે કે કોંગ્રેસને પણ યુપીમાં લાભ થતો જોવા મળ્યો. હવે જોઈએ કે ભાજપને કયા કારણો નુકસાન કરી ગયા?
બીએસપીને વિપક્ષ ભાજપની ટીમ કહીને ટાર્ગેટ કરતો રહ્યો છે પરંતુ કહાની કઈ અલગ જ હતી. પશ્ચિમથી પૂર્વ સુધી માયાવતીએ એવા ઉમેદવારો ઊભા રાખ્યા કે જે એનડીએના ઉમેદવારોને નુકસાન પહોંચાડી રહ્યા હતા. પશ્ચિમ યુપીમાં મેરઠમાં દેવવ્રત ત્યાગી, મુઝફ્ફરનગરમાં દારા સિંહ પ્રજાપતિ, ખીરી સીટથી બીએસપીના પંજાબી ઉમેદવાર વગેરે ભાજપને સીધુ નુકસાન પહોંચાડી રહ્યા હતા. આ રીતે પૂર્વ યુપીમાં ઘોસીમાં બીએસપીએ જે ઉમેદવાર મૂક્યો તે સીધો ઈશારો હતો કે પાર્ટીએ એનડીએનું કામ ખરાબ કરવાનો જાણે ઠેકો લીધો છે. ઘોસી સીટ પર બાલકૃષ્ણ ચૌહાણે એનડીએની 2 વર્ષની તૈયારી પર પાણી ફેરવી દીધુ. ભાજપે સ્થાનિક નોનિયા નેતા દારાસિંહ ચૌહાણને સમાજવાદી પાર્ટીમાંથી એટલા માટે લાવ્યા હતા કારણ કે તનો સીધો લાભ ઘોસી અને આજુબાજુની સીટો પર મળી શકે. પણ જ્યારે બીએસપીએ એક નોનિયા જાતિના ઉમેદવાર બાલકૃષ્ણ ચૌહાણને ખડો કર્યો તો સ્પષ્ટ છે કે નુકસાન એનડીએને થવાનું હતું.
એ જ રીતે ચંદોલીમાં બીએસપી ઉમેદવાર સતેન્દ્ર કુમાર મૌર્યા ભાજપ ઉમેદવાર મહેન્દ્રનાથ પાંડે માટે જોખમ બની ગયા. બહુજન સમાજ પાર્ટીના મનીષ ત્રિપાઠી મિર્ઝાપુરમાં અનુપ્રિયા પટેલને ત્રિકોણીય જંગમાં ફસાવી દીધા. અહીં પણ ભાજપના કોર વોટર બ્રાહ્મણ બીએસપી સાથે ગયા. આ ત્રણેય બેઠકો પર બીએસપીના ઉમેદવાર સ્ટોરી લખાઈ ત્યાં સુધી 40 થી 60 હજાર મત મળતા જોવા મળી રહ્યા છે. જ્યારે ભાજપના ઉમેદવારો ગણ્યા ગાંઠ્યા મતથી પાછળ છે. સમગ્ર દેશમાં 2 ડઝન એવી સીટો છે જ્યાં ભાજપ ઉમેદવારોના મત બીએસપી ઉમેદવારોના કારણે ઘટ્યા.
ચૂંટણી દરમિયાન અખિલેશ યાદવની એ વાત બદલ ખુબ ટીકા થઈ કે તેઓ વારંવાર ઉમેદવારો બદલી રહ્યા છે. પરંતુ તેમની પ્રશંસા કરવી પડે કે તેમણે જે ઉમેદવારો ઊભા રાખ્યા તે સ્થાનિક ગણિત પ્રમાણે સારા હતા. આ કારણે તેઓ ભાજપના ઉમેદવારોને ટક્કર આપતા જોવા મળી રહ્યા છે. ફૈઝાબાદમાં સમાજવાદી પાર્ટીના અવધેશપ્રસાદ હજુ પણ લીડમા છે. એક એસસી ઉમેદવારને ફૈઝાબાદમાં ઊભા રાખવાનું સાહસ દેખાડવું એ અખિલેશની સૂઝબૂજ દેખાડે છે. એ જ રીતે મેરઠમાં ટીવીના રામ અરુણ ગોવિલ ચૂંટણી લડી રહ્યા હતા ત્યાં પણ એક એસસી ઉમેદવારને ઊભા રાખ્યા. તેમના પર ઘણું દબાણ હતું કે મેરઠ જેવી સીટ પર કોઈ મુસ્લિમ ઉમેદવાર ઊભા રાખવામાં આવે. મેરઠમાં અનેકવાર મુસ્લિમ ઉમેદવાર સાંસદ બન્યા છે. એ જ રીતે ઘોસી લોકસભા બેઠકથી સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રી સચિવ અને પ્રવક્તા રાજીવ રાયને ટિકિટ આપી. એ જરીતે મિર્ઝાપુરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર એસ બિંદ છે જેમનો મુંબઈમા વેપાર છે. આવા અનેક ઉદાહરણ છે.
યુપીમાં ક્ષત્રિયોની નારાજગી પણ ભાજપને ભારે પડી. પહેલા ગુજરાતમાં પરશોત્તમ રૂપાલાની ક્ષત્રિયો પર કમેન્ટનો મુદ્દો બન્યો. જેની આંચ યુપી સુધી મહેસૂસથઈ. આ બધા વચ્ચે ગાઝિયાબાદથી જનરલ વિ કે સિંહની ટિકિટ કાપવાનો મુદ્દો પણ ચર્ચાયો. એટલે કે કોઈને કોઈ રીતે ભાજપને ટાર્ગેટ કરવો એ સ્પષ્ટ હતું. આ બધા વચ્ચે ચૂપચાપ રીતે એક એવી અફવા પણ ફેલાવવામાં આવી કે જો ભાજપને 400 સીટ મળશે તો યુપીના સીએમ યોગી આદિત્યનાથને હટાવવામાં આવશે. આ વાતને લઈને આમ આદમી પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ભાજપ પર પ્રહાર પણ કર્યા. પશ્ચિમ યુપીમાં સતત અનેક જિલ્લાઓમાં રાજપૂતોને સંમેલન કરીને કસમો ખવડાવવામાં આવી કે કોઈ પણ હાલતમાં ભાજપને મત આપવાના નથી. જો ઠીકથી કોશિશ કરવામાં આવી હોત તો આવા સંમેલનો રોકી શકાયા હોત. સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવથી લઈને બસપા પ્રમુખ માયાવતી સુધી લોકોએ ક્ષત્રિયો સામે નારાજગીના મુદ્દાને ચૂંટણીમાં ઉછાળ્યો હતો. મુઝફ્ફરનગરમાં ક્ષત્રિયોની નારાજગીનો મુદ્દો ખુબ ચર્ચાયો. મુઝફ્ફરનગરથી કેન્દ્રીય મંત્રી સંજીવ બાલિયાન હતા જે પાછળ જોવા મળ્યા. જે દેખાડે છે કે રાજપૂતોની નારાજગી ભારે પડી. પ્રતાપગઢમાં રાજા ભૈયા રાજ્યસભા ચૂંટણી દરમિયાન ભાજપ સાથે જોવા મળ્યા હતા. પણ પછી તેમની નારાજગીએ પણ નુકસાન પહોંચાડ્યું.
ગામડાના લોકો માટે જે વાત તમામ જાતિઓ માટે સમાન છે તે છે સરકારી નોકરીઓની તૈયારી. પછી ભલે તે ઊંચી જાતના હોય કે પછાત કે અનુસૂચિત જાતિના. તમામ ઘરોમાં સરકારી નોકરીઓની પરીક્ષાની તૈયારી કરનારા યુવાઓ છે. જેમાં છોકરાઓ અને છોકરીઓ બંને સામેલ છે. યુપીમાં વિધાનસભા ચૂંટણીમાં આ મુદ્દા પર યુવાઓ પહેલીવાર ભાજપને આ માટે જ મત આપ્યા હતા. પણ ભાજપની બીજી સરકાર આવતા આવતા પરીક્ષા માફિયાઓ ફરીથી એકવાર આ સરકાર પર ભારે પડવા લાગ્યા. એ જ કારણ રહ્યું કે આ સમય રાજ્યમાં પેપર લીક અને બેરોજગારીના પગલે યુવાઓનો ગુસ્સો સાતમા આસમાને છે. ભરતી પેપરમાં ગડબડી અને ધાંધલી અંગે હંમેશા પ્રદેશના યુવાઓ રસ્તા પર સંઘર્ષ કરતા જોવા મળ્યા છે. ભરતીઓનો લાંબો ઈન્તેજાર પણ વર્તમાન સરકાર પ્રત્યે અસંતોષનું પ્રમુખ કારણ છે.
પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા સહિત લગભગ ડઝન જેટલી પરીક્ષાઓના પેપર લીક થવાના પગલે કેન્સલ થઈ છે. 69 હજાર શિક્ષક ભરતી કૌભાંડને યુપીનું વ્યાપમ કૌભાંડ પણ કહે છે. યુવાઓ પરેશાન છે. યુપી રાજ્ય વિધિ આયોગે ગત વર્ષે પ્રતિયોગી અને શૈક્ષણિક પરીક્ષાઓ સંલગ્ન પ્રશ્ન પત્રોને લીક થવાથી રોકવા અને પેપર સોલ્વર ગેંગ પર લગાવ લગાવવા માટે એક કાનૂની ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો. આ પ્રસ્તાવિત કાનૂનમાં 14 વર્ષ જેલ અને 25 લાખ રૂપિયા સુધીની દંડની જોગવાઈ છે. પણ કાનૂન બનાવવાથી જનતાની સમસ્યાનો ઉકેલ આવતો નથી. આ જ કારણે યુવાઓના મત મળ્યા નહીં.