ક્ષમતા કરતા વધુ મુસાફરો ભરી મોતની મુસાફરી કરાવતી ટ્રાવેલ્સો સામે કાર્યવાહી જરૂરી

બાલાસિનોર,,રાજયમાં દિવસે દિવસે અકસ્માતના બનાવો વધતા જાય છે ત્યારે મહિસાગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાનુ જાણે કે કોઈ અસ્તિત્વ જ ન હોય તેમ ખાનગી ટ્રાવેલ્સ બસોમાં ધેટા-બકરાની માફક મુસાફરો ભરીને રીતસર મોતની મુસાફરી કરાવતા હોય તેમ લાગી રહ્યુ છે. તેમાંય સમયસર પહોંચવાની ઉતાવળમાં પુરપાટ ઝડપે દોડતા કોઈ અકસ્માત સર્જાય તે પહેલા તંત્રએ જાગૃત થવાનો સમય છે.

સંતરામપુરથી બાલાસિનોર થઈ અમદાવાદ રોજ ફરતી ખાનગી ટ્રાવેલ્સો મુસાફરોને મોતની મુસાફરી કરાવી રહ્યા હોય તેવુ ચાલી રહ્યુ છેે. સંતરામપુર, ઝાલોદ, દાહોદ તથા લીમખેડાની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મજુરી કામ માટે બાલાસિનોર થઈ અમદાવાદ શહેરમાં જતા હોય છે. એસ.ટી.બસની સુવિધા હોવા છતાં રોજીંદા ખાનગી ટ્રાવેલ્સ બસની અંદર 40 જેટલા તેમજ ઉપર 35થી વધારે મુસાફરો બેસીને જીવને જોખમે મુકીને મુસાફરી કરતા હોય તેમ દેખાઈ રહ્યુ છે. ત્યારે આ બાબતે ગંભીર મુદ્દો લોકોમાં ચર્ચાસ્પદ બન્યો છે. આમ બસ ચાલક પોતાનો તેમજ બીજાનો પણ જીવ જોખમે મુકીને મોતની સવારી લઈને જતો હોય તેવુ લાગી રહ્યુ છે.