કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય નવા લેબર કોડ લાગુ કરવાની તૈયારીમાં છે. નવા લેબર કોડમાં કંપનીઓને એ સુવિધા મળશે કે તેઓ પોતાના કર્મચારી પાસે સપ્તાહમાં 4 દિવસ કામ કરાવે અને સ્ટેટ ઇન્શ્યોરન્સ હેઠળ ફ્રી મેડિકલ ચેક-અપ પણ કરાવે. જો કે કર્મચારીઓએ સપ્તાહમાં 48 કલાક કામ કરવું પડશે. નવા લેબર કોડ હેઠળ સપ્તાહમાં 3 દિવસની રજા મળશે, પણ રોજના 12 કલાક કામ કરવું પડશે. શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ અપૂર્વા ચંદ્રાએ આ બાબતે જાણકારી આપી હતી.
અપૂર્વા ચંદ્રાએ કહ્યું કે અમે નોકરી દાતાઓ અથવા કર્મચારીઓ પર દબાણ નથી લાવી રહ્યા. તેમની પાસે બનેં વિકલ્પોની સુવિધા હશે. કામકાજની બદલાતી સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા કરવામાં આવી છે, અમે કેટલાંક બદલાવ કરવાની કોશિશ કરી છે. કામકાજના દિવસને લઇને કેટલીક સુવિધા આપવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે.તેમણે કહ્યું કે લેબર કોડ હેઠળ ડ્રાફટ રૂલ્સ અંતિમ ચરણમાં છે અને એને તૈયાર કરવાની પ્રકિયામાં મોટાભાગના રાજયો સામેલ રહ્યા હતા, જેમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, મધ્ય પ્રદેશ જેવા રાજયો છે.
શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ અપૂર્વાએ કહ્યું હતું કે કમર્મચારીઓ માટે સપ્તાહમાં કામ કરવાના દિવસ 5થી ઓછા હોય શકે છે. જો સપ્તાહમાં 4 દિવસ હશે તો 3 દિવસની રજા મળશે. પહેલાં પણ સપ્તાહમાં કામ કરવાની લિમિટ 48 કલાક( સપ્તાહના 6 દિવસ અને રોજના 8 કલાક) જ હતી એને અત્યારે પણ ચાલું રાખવામાં આવશે.નવા નિયમ માટે નોકરી દાતા અને કર્મચારીઓએ સમંત થવું પડશે, નવા નિયમ માટે કોઇ દબાણ નહીં હશે.
તેમણે કહ્યું હતું કે શ્રમ મંત્રાલય એક વેબ પોર્ટલ બનાવવાની પ્રક્રિયા કરી રહ્યું છે. જૂન 2021 સુધીમાં અસંગઠિત શ્રેત્રના કામદારો પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે, જેથી તેમને અનેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય. એમાં ગિગ વર્કર્સ,પ્લેટફોર્મ વર્કર્સ અને પ્રવાસી મજૂર સામેલ હશે.
અપૂર્વા ચંદ્રાએ મીડિયાને માહિતી આપતા કહ્યું હતું કે નિયમ બનાવવાની પ્રકિયા ચાલી રહી છે અને આવનારા સપ્તાહમાં પુરી થઇ જશે. નિયમ બનાવવા માટે બધા હિતધારકો સાથે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. ટુંક સમયમાં જ મંત્રાલય આ ચારેય લેબર કોડ લાગૂ કરશે.
નવા કોડ લાગૂ કરતા પહેલાં લેબર બ્યુરો માટે પ્રવાસી મજૂરોનો સર્વ કરવાનો એક મોટો પડકાર હશે, એમાં સ્થાનિક કામદાર, પ્રોફેશનલ સેકટર અને ટ્રાન્સપોર્ટ સેકટરમાં કામ કરનારા લોકોને પણ સામેલ કરવામાં આવશે. લેબર બ્યુરો ઓલ ઇન્ડિયા એસ્ટાબ્લિસમેન્ટ બેઝડ એમ્પ્લોયમેન્ટ સરવેને પણ કમશીન કરશે. લેબર પોર્ટલ પર રજિસ્ટર થનારા કામદારોને મંત્રાલય તરફથી પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ એક વર્ષ માટે દુર્ઘટના કે વિકલાંગ થવાની સ્થિતિમાં મફત વીમા કવચ મળશે.
નવા લેબર કોડમાં કર્મચારીઓ માટે 48 કલાક કામ કરવું ફરજિયાત હશે, પરંતું નોકરી દાતા ઇચ્છશે તો કર્મચારી પાસે સપ્તાહમાં 4 દિવસ પણ કામ કરાવી શકશે. એના માટે કર્મચારીઓએ રોજના 12 કલાક કામ કરવું પડશે. જયારે નવા કોડ લાગૂ થઇ જશે ત્યારે નોકરી દાતાઓએ સપ્તાહમાં 4 દિવસ કે 5 દિવસ કામ કરાવવું હશે તો તેના માટે સરકારની મંજૂરી લેવાની જરૂર નહીં રહે.