કૃષ્ણનગરમાં બાઇક ચલાવવાની તકરારમાં જાહેરમાં યુવકની હત્યા

અમદાવાદ,

શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં બાઇક ચલાવાની તકરારમાં યુવક પર બે શખ્સોએ લાકડી અને દંડા વડે હુમલો કર્યો હતો. જેથી લોહાલુહાણ હાલતમાં યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ મામલે કૃષ્ણનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં બે આરોપીઓને ઝડપી લીધા છે.

શહેરના કૃષ્ણનગરના એએમસી ક્વાટર્સમાં રહેતા રમેશભાઇ મારવાડી નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઇકાલે બપોરે ૪ વાગ્યાની આસપાસ તેમનો ભાઇ અનિલ મારવાડી કોઇ કામ અર્થે બહાર જતો હતો ત્યારે સોસાયટીની બહાર તેના જ વિસ્તારમાં રહેતા જયેશ અને અનિલ ચૌહાણ ઉભા હતા. જયેશ અને અનિલ ચૌહાણ બાઇક ચલાવવા માટે અનિલ મારવાડી સાથે રકઝક કરીને બોલાચાલી કરી હતી. ત્યારબાદ બંને અનિલ મારવાડી પર લાકડીના દંડા વડે હુમલો કર્યો હતો.યુવકે બૂમાબૂમ કરતા આસપાસના લોકો ભેગા થઇ જતા બંને ત્યાંથી નાસી ગયા હતા. આ ઘટના બાદ અનિલને ગંભીર ઇજાઓ પહોંચતા લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

આ ઘટનાની જાણ થતા પોલીસનો કાફલાએ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ જયેશ ચૌહાણ અને અનિલ ચૌહાણને કૃષ્ણનગરમાંથી જ ઝડપી પાડ્યા હતા અને વધુ પૂછપરછ શરૂ કરી છે.