કોઠંબા વિસ્તારમાં રાબડીયા નહેરના કુવાઓ રોડ સમાંતર બનતા જોખમી

કોઠંબા,કોઠંબા વિભાગમાંથી પસાર થતી પાનમ સિંચાઈ યોજનાની રાબડીયા માઈનોર કેનાલ રોડ સમાંતર બનતા ખેડુતો અને રાહદારીઓ માટે જોખમી બની ગઈ છે. આ રોડ ઉપર ખેડુતો, રાહદારીઓ રાત-દિવસ અવર જવર કરતા હોય છે. માઈનોર કેનાલથી બંને સાઈડ પર ઉગેલા ઝાડી-ઝાંખરા અને જંગલની વનસ્પતિ હટાવવાની કામગીરી બતાવવા પુરતી કરાતા પ્રિ-મોન્સુન કામગીરીમાં પણ નર્યો ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. નહેરમાં ઠેર ઠેર ગાબડા, નહેરમાંથી ખેડુતોના ખેતર સુધી પાણી લઈ જવા માટે ગેટની જગ્યાએ મોટા પથ્થરો નાંખવાથી વહેતા પાણીમાં અટકાવ થાય છે. હાલમાં ઢાળિયા કાઢી નાંખવાથી પાણી છુટુ જાય છે. ત્યારે સર્વે કરી કેનાલથી પાઈપલાઈન કરવામાં આવે તો પાણી સમયસર મળી જાય અને પાણીનો વેડફાટ પણ ઓછો થાય પાનમ સિંચાઈ યોજનાની કેનાલ ઉપર બંને બાજુ માટી-મેટલ કામ કરી રોડ બનાવાતા રોડનુ લેવલ ઉંચુ આવતા રાબડીયા માઈનોરની નહેરના તમામ કુવાઓ રોડને સમાંતર બની જતા અકસ્માતની ભિતી વધી ગઈ છે. રાબડીયા કેનાલ ઉપર તમામ ડિસ્ટ્રિબ્યુટોના કુવાઓના થાળા ઉંચા કરવાની કામગીરી ચોમાસા પહેલા તાત્કાલિક ધોરણે કરવાની ખેડુતોની માંગ ઉઠવા પામી છે.