કોઠંબા ગામમાં પ્રવેશદ્વાર પર ગંદા પાણીના ખાબોચિયાથી રાહદારીઓ અને વાહનચાલકો પરેશાન

ખારોલ, લુણાવાડા તાલુકાના કોઠંબા ગામના પ્રવેશદ્વાર પર ભરાઈ રહેલા ગંદા પાણીનો નિકાલ નહિ થતાં રાહદારી અને વાહનચાલકો પરેશાન થઈ ગયા છે. વરસાદ પડ્યા અને દસ દિવસ થવા આવ્યા છતાં પણ કોઠંબાના પોલીસ મથક સામેના પ્રવેશદ્વારમાંથી પાણીનો કોઈ જ નિકાલ ન થવાથી રાહદારીઓને ઢીંચણ સમા પાણીમાંથી રસ્તો પસાર કરી જવુ પડે છે. ઢીંચણ સમા ગંદા પાણી અને મસમોટા તોતિંગ ગાબડાઓએ આ રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓ અને વાહનચાલકોને અત્યંત અવર જવર કરવા માટે મુશ્કેલ બન્યુ છે. આ રોડ લુણાવાડા, શહેરા, ગોધરા અને વડોદરા તરફ જવા-આવવાનો મુખ્ય માર્ગ છે. આ રોડ ઉપરથી દિવસભર અસંખ્ય વાહનો પસાર થાય છે. શાળા-કોલેજના વિધાર્થીઓ પણ આ માર્ગ ઉપરથી અપડાઉન કરતા હોય છે. આ માર્ગ પાસે હોસ્પિટલ, સીએચસી, પોલીસ સ્ટેશન અને નાની-મોટી દુકાનો પણ આવેલી છે. બીજી બાજુ નગરોળ તંત્ર કોન્ટ્રાકટરનો બચાવ કરી રહ્યુ હોય તેવુ સ્પષ્ટ જણાઈ રહ્યુ છે. ઢીંચણ સમા પાણી ભરાઈ જવાથી મચ્છરોનો ઉપદ્રવ પણ વધી જવા પામ્યો છે. દુર્ગંધથી આજુબાજુના રહિશો અને દુકાનદારોને વારંવાર હાલાકી ભોગવવી પડી રહી છે.