સંજેલી,
સંજેલી તાલુકામાં કોટા ગામના આવેલ મહાકાલી માતાજીના મંદિરે દર વર્ષેની જેમ દેવ દિવાળી નિમિત્તે અન્નકુટ અને મહાપ્રસાદ-ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષેની જેમ સંપૂર્ણ મંદિર રોશની થી ઝળહળી ઉઠ્યું હતું અને રંગબેરંગી ફૂલોના હારથી આખું મંદિર શણગારવામાં આવ્યું હતું અને માતાજીની મૂર્તિ જાણે અત્યંત મનમોહક જોવા મળતી હતી.અન્નકુટ પ્રસંગ નિમિતે ચોસઠ ભોગ માતાજીના ચરણોમાં ધરાવવામાં આવ્યા હતા. સંજેલી તાલુકાના આજુબાજુ ગામો માંથી તેમજ સંજેલી તાલુકાની જનતા મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો યુવાનો અને માતાજીના ભાવિક ભકતો અને ગામના વડીલો ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ ધાર્મિક કાર્યક્રમમાં આરતી ઉતારવામાં આવી હતી અને ડી.જે.ના તાલે ગરબા અને ભજન કીર્તન તેમજ સત્સંગ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો જેમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. તમામ લોકોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી હતી અને માતાજી હર મનોકામના પૂર્ણ કરે એવી નેક રાખી હતી. આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન સંજેલીના માતાજીના પરમ ભક્ત આશારામ બચુમલ મોતીજાણી દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ ધાર્મિક કાર્યક્રમમાં આનંદ ભેર ઉજવણી કરી હતી.