- ભયાનક ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૨૮૦ થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે હજારો મુસાફરો ઘાયલ થયા છે.
ભુવનેશ્ર્વર, ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે લગભગ ૭ વાગ્યે થયેલી ભયાનક ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૨૮૦ થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે હજારો મુસાફરો ઘાયલ થયા છે. બચાવ કાર્ય હજુ ચાલુ છે અને આ દરમિયાન ભારતીય રેલવેનું નિવેદન પણ સામે આવ્યું છે. રેલવે તરફથી કહેવામાં આવ્યું છે કે ટ્રેન નંબર ૧૨૪૮૧ કોરોમંડલ એક્સપ્રેસ બહંગા બજાર સ્ટેશનની મુખ્ય લાઇન પરથી પસાર થઈ રહી હતી, તે જ સમયે તે અપ લૂપ લાઇન પર માલસામાન ટ્રેન સાથે અથડાઈ હતી. ટ્રેન પૂરપાટ ઝડપે હતી અને તેને સ્ટેશન પર રોકવી શક્ય ન હતી. પરિણામે ૨૧ કોચ પાટા પરથી ઉતરી ગયા અને ૩ કોચ ડાઉન લાઈનમાં ગયા. બીજી ટ્રેન પસાર કરવા માટે દરેક સ્ટેશન પર લૂપ લાઇન છે. બહાનગા બજાર સ્ટેશન પર બે લૂપ લાઇન છે. જ્યારે સ્ટેશન પરથી ટ્રેન પસાર કરવાની હોય ત્યારે કોઈપણ ટ્રેનને લૂપ લાઇન પર ઊભી રાખવામાં આવે છે.
ડાઉન લાઇન ટ્રેન ૧૨૮૬૪ યશવંતપુર-હાવડા એક્સપ્રેસ બહાનાગા બજાર સ્ટેશનથી પસાર થઈ રહી હતી અને કોરોમંડલ સાથે અથડાઈ હતી. આ પછી હાવડા એક્સપ્રેસના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. રેલવે અનુસાર, કોરોમંડલ એક્સપ્રેસમાં ૧૨૫૭ લોકોએ રિઝર્વેશન કરાવ્યું હતું જ્યારે હાવડા-યશવંતપુર એક્સપ્રેસમાં ૧૦૩૯ લોકોએ રિઝર્વેશન કરાવ્યું હતું.
બહાનાગા બજાર સ્ટેશન પર કોરોમંડલ એક્સપ્રેસ અને યશવંતપુર હાવડા એક્સપ્રેસને પસાર કરવા માટે, માલસામાન ટ્રેનને સામાન્ય લૂપ લાઇન પર ઊભી કરવામાં આવી હતી. કોરોમંડલ એક્સપ્રેસ મુખ્ય અપ લાઇન પરથી તેજ ગતિએ પસાર થઈ રહી હતી. તે સમયે યશવંતપુર-હાવડા એક્સપ્રેસ પણ ડાઉન લાઇન પરથી પસાર થઈ રહી હતી.બહાનગા બજાર સ્ટેશન પર આ ટ્રેનોનું કોઈ સ્ટોપેજ નથી. આવી સ્થિતિમાં બંને ટ્રેનોની સ્પીડ ઝડપી હતી. બહાનગા બજાર સ્ટેશન પરથી પસાર થઈ રહેલી કોરોમંડલ એક્સપ્રેસ અચાનક પાટા પરથી ઉતરી ગઈ હતી. પાટા પરથી ઉતરેલી કોરોમંડલ એક્સપ્રેસના કેટલાક ડબ્બા માલસામાન ટ્રેન સાથે અથડાયા હતા.
ઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટના પર રેલ મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ટ્રેન દુર્ઘટનાનું સાચું કારણ જાણી લેવામાં આવ્યું છે. વાસ્તવમાં અશ્ર્વિની વૈષ્ણવ રવિવારે ફરી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અહીં તેમણે કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. આ દરમિયાન માહિતી આપતાં અશ્ર્વિની વૈષ્ણવે જણાવ્યું કે અકસ્માતનું સાચું કારણ જાણવા મળ્યું છે. સેટી કમિશનર ટૂંક સમયમાં પોતાનો રિપોર્ટ મોકલશે. જોકે ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગમાં ફેરફારથી ટ્રેન દુર્ઘટના સર્જાઈ તેમ રેલવે મંત્રીએ જણાવ્યુ છે.
‘કવચ’ ન લગાવવાના મમતા બેનર્જીના આરોપ પર, રેલવે મંત્રીએ કહ્યું, “મમતા બેનર્જીએ ગઈકાલે જે સુરક્ષા કવચની વાત કહી તે સાચું નથી તેણીએ તેના વિશે જેટલું જાણ્યું તેટલું બોલ્યા, પરંતુ તે વસ્તુઓ અહીં લાગુ નથી. કવચનો અહીં કોઈ ઉપયોગ નથી. તેમણે કહ્યું કે મમતાએ અકસ્માત માટે ‘બીજું કોઈ કારણ’ આપ્યું નથી.
આ સાથે રેલવે મંત્રીએ એમ પણ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. તેમણે જણાવ્યું કે પીએમ મોદીએ ગઈકાલે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. અમે આજે ટ્રેક પુન:સ્થાપિત કરવાનો પ્રયાસ કરીશું. તમામ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. અમારો લક્ષ્યાંક બુધવારની સવાર સુધીમાં પુન:સ્થાપન કાર્ય પૂર્ણ કરવાનો છે જેથી કરીને આ ટ્રેક પર ટ્રેનો ફરી શરૂ થઈ શકે. જણાવી દઈએ કે એક હજારથી વધુ લોકોની ટીમ ટ્રેક રિપેર કરવાના કામમાં લાગેલી છે.
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે સમારકામનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. રેલવેની ટીમે આખી રાત કામ કર્યું હતું. હવે મૃતકોની ઓળખ કરીને કાયદાકીય પ્રક્રિયા બાદ તેમના પરિવારજનોને મોકલવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઘટના કોલકાતા-ચેન્નઈ મેઈન લાઈનમાં બની હતી. આવી સ્થિતિમાં ઘણી એવી ટ્રેનો છે જેના રૂટ બદલવામાં આવ્યા છે અને ઘણી ટ્રેનો બંધ છે.