કોરોમંડલ અકસ્માત પર શરદ પવારની પ્રતિક્રિયા, જૂનું ઉદાહરણ આપીને રેલવે મંત્રીના રાજીનામાની માંગણી

ભુવનેશ્ર્વર, ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેનોના અકસ્માતમાં અત્યાર સુધીમાં ૨૮૮ લોકોના મોત થયા છે અને ૮૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. કેન્દ્ર સરકારે મૃતકોના પરિવારજનો માટે ૧૦ લાખ રૂપિયાની રાહત રકમની જાહેરાત કરી છે. પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે ઘટનાસ્થળની મુલાકાત લીધી અને કહ્યું કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મહારાષ્ટ્રના એનસીપી પ્રમુખ શરદ પવારે પણ દુ:ખનો આ પહાડ પડવાની ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમના સિવાય શિવસેના (યુબીટી) સાંસદ સંજય રાઉત અને કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.

શરદ પવારે કહ્યું કે આ અકસ્માતની વિગતવાર તપાસ કરવી જરૂરી છે. તો જ સત્ય બહાર આવશે. જૂનું ઉદાહરણ આપતા પવારે કહ્યું કે જ્યારે લાલ બહાદુર શાસ્રી રેલવે મંત્રી હતા અને તેમના કાર્યકાળ દરમિયાન બીજી ટ્રેન દુર્ઘટના થઈ ત્યારે તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ તેમના રાજીનામાની વિરુદ્ધ હતા. આમ છતાં શાસ્રીજીએ નૈતિક્તાના આધારે રાજીનામું આપી દીધું હતું.

આ પછી શરદ પવારે કહ્યું કે આજની સ્થિતિ અલગ છે. એ યુગ જુદો હતો, આ યુગ જુદો છે. ત્યારે રેલ્વે મંત્રી કોઈ બીજા હતા, હવે રેલ્વે મંત્રી કોઈ બીજા છે. આજના નેતાઓએ તેમને જે યોગ્ય લાગે તે કરવું જોઈએ. પરંતુ જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી તેમણે નૈતિક્તાના આધારે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ. શિવસેના સાંસદ સંજય રાઉતે પણ આજે આ જ વાત કહી. તેમણે કહ્યું કે પોતાની જવાબદારીને ધ્યાનમાં રાખીને લાલ બહાદુર શાસ્રી એ નૈતિક્તાના આધારે તરત જ રાજીનામું આપી દીધું હતું. ત્રણ ટ્રેનની ટક્કરથી ઘણા લોકોના મોત થયા છે. રેલવે મંત્રીએ તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું કે ઉચ્ચ સ્તરે તેની સંપૂર્ણ વિગતવાર તપાસ થવી જોઈએ અને તપાસનો અહેવાલ છુપાવવો જોઈએ નહીં. તપાસનો રિપોર્ટ લોકોની સામે રાખવો જોઈએ.

શરદ પવારના રાજીનામાની માંગ પર ભાજપના નેતા સુધીર મુનગંટીવારે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ટ્રેન દુર્ઘટના બાદ રેલવે મંત્રીના રાજીનામાની માંગ હાસ્યાસ્પદ છે. કોરોના કાળમાં હજારો લોકોના મોત, અજિત પવાર નાયબ મુખ્યમંત્રી હતા, શું રાજીનામું આપ્યું?