બુકાવુ, કોંગોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન: કોંગોમાં કુદરતનો કહેર જોવા મળ્યો છે. દક્ષિણ-પશ્ર્ચિમ કોંગોમાં ભારે વરસાદ બાદ સ્થિતિ વધુ વણસી ગઈ છે. વરસાદના કારણે થયેલા ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા ૧૫ લોકોના મોત થયા છે અને લગભગ ૬૦ લોકો લાપતા છે. સ્થાનિક અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઇડિઓફા શહેર નજીક બંદરથી દૂર ભૂસ્ખલન બાદ સાત લોકો જીવિત મળી આવ્યા છે. સ્થાનિક અધિકારી ધેધે મુપાસાએ જણાવ્યું હતું કે, બંદરની આગળ એક ટેકરી છે અને વરસાદને કારણે ટેકરીની માટી સરકી ગઈ હતી, જેના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે.
પ્રાંતના વચગાળાના ગવર્નર, લેસિન કિવેએ પત્રકારોને જણાવ્યું હતું કે ગુમ થયેલા લોકોની શોધ માટે મોકલવામાં આવેલી ટીમે સાત લોકોને જીવતા શોધી કાઢ્યા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તેમણે કહ્યું કે ૬૦ લોકો હજુ પણ ગુમ છે. એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે ગુમ થયેલા લોકોની ચોક્કસ સંખ્યા જણાવવી મુશ્કેલ છે કારણ કે આ સ્થળે દર શનિવારે બજાર ભરાતી હતી. અધિકારીએ કહ્યું કે આ વિસ્તાર એક પ્રકારનો બંદર છે, જ્યાં માછીમારો માછલી વેચવા આવે છે.
આ પહેલા પણ કોંગોમાં વરસાદ અને ભૂસ્ખલનની કહેર જોવા મળી ચૂકી છે. ગયા વર્ષે પણ ડિસેમ્બર મહિનામાં કોંગોમાં ભારે વરસાદે તબાહી મચાવી હતી. અહીંના બુકાવુ શહેરમાં મુશળધાર વરસાદ બાદ થયેલા ભૂસ્ખલનમાં ૧૪ લોકોના મોત થયા છે. ડિસેમ્બરની શરૂઆતમાં, ઉત્તર પશ્ચિમ કોંગોમાં મુશળધાર વરસાદને કારણે સપ્ટેમ્બરમાં ભૂસ્ખલન થયું હતું, જેમાં ઓછામાં ઓછા ૧૭ લોકો માર્યા ગયા હતા.