કોલકાતામાં ત્યાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના પડઘા શમ્યા નથી અને ડોક્ટરોએ આખા દેશમાં આંદોલન કર્યુ છે તેની વચ્ચે અમદાવાદમાં જ ડોક્ટર પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો દર્દીના સગાઓએ કર્યો છે. અમદાવાદના મણિનગરમાં આવેલી એલજી હોસ્પિટલમાં દર્દીઓએ રેસિડેન્ટ ડોક્ટર સાથે બોલાચાલી કરી મારામારી કરી હોવાની ઘટના બની છે.
આ ઘટનામાં દર્દીના કુટુંબીજનોએ સારવાર બાબતે ઉગ્ર બોલાચાલી કરી રેસિડન્ટ ડોક્ટરનું ગળું દબાવી દીધું હતું. જોકે બહાર હાજર સિક્યોરિટી સ્ટાફ દ્વારા તાત્કાલિક ધોરણે ડોક્ટરને છોડાવવામાં આવ્યા હતા. આ ઘટના બાદ રેસિડન્ટ ડોક્ટરો ઇમર્જન્સી સારવારથી પણ અળગા રહ્યા હતા. જોકે સુપરિન્ટેન્ડન્ટ સહિતના ડોક્ટરો દ્વારા તેમને સમજાવવામાં આવતાં ફરીથી કામગીરી શરૂ કરી હતી.
એલજી હોસ્પિટલનાં સુપરિન્ટેન્ડન્ટ ડો. લીનાએ જણાવ્યું હતું કે ઇમર્જન્સીમાં વહેલી સવારે એક દર્દીને સારવાર માટે લાવવામાં આવ્યો હતો. ઝેરી દવા પીધી હોવાથી પોલીસ કેસ અને સારવારની પદ્ધતિ જાણવા માટે મહિલા ડોક્ટર દ્વારા જ્યારે તેમને વિગત પૂછવામાં આવતી હતી ત્યારે અચાનક દર્દીના સગા ઉશ્કેરાઈ ગયા હતા અને બોલાચાલી કરી હતી. આ દરમિયાન દર્દીના સગાએ રેસિડન્ટ ડોક્ટરનું ગળું દબાવ્યું હતું. એક તરફ નોન-ઈમર્જન્સી સેવામાં રેસિડન્ટ ડોક્ટરો હડતાળ પર છે તો બીજી તરફ ઈમર્જન્સી સેવામાં પણ આ રીતે દર્દીના કુટુંબીજન દ્વારા હુમલો કરવાની ઘટના બનતાં રેસિડન્ટ ડોક્ટરો ઈમર્જન્સી સેવા બંધ કરી હતી.
જોકે ત્રણથી ચાર કલાક સુધીની સમજાવટ બાદ ફરીથી તેમણે કામગીરી શરૂ કરી હતી. આ બાબતે મણિનગર પોલીસ સ્ટેશનમાં દર્દીના પરિવારજન વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવાઇ છે.એલજી હોસ્પિટલમાં સુરક્ષા મામલે તેમણે જણાવ્યું હતું કે ડોક્ટરો અને દર્દીઓ વચ્ચે ઘર્ષણ ન થાય એ માટે હોસ્પિટલમાં પૂરતી વ્યવસ્થા છે. ઇમર્જન્સી ટ્રોમા સેન્ટરની બહાર અને મુખ્ય ગેટ પાસે સિક્યોરિટી ગાર્ડ ગોઠવવામાં આવેલા છે. હવે ઇમર્જન્સી ટ્રોમા સેન્ટરની અંદરના ભાગે પણ એક સિક્યોરિટી ગાર્ડ મૂકવાની વિચારણા હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત હવે હોસ્પિટલમાં એક પોલીસ ચોકી પણ બનાવવા માટેની રજૂઆત કરવામાં આવશે. જ્યાં સતત ૨૪ કલાક પોલીસકર્મચારીઓ હાજર હોય, પૂરતા પ્રમાણમાં સીસીટીવી કેમેરા લાગેલા છે. જોકે હવે ઇમર્જન્સીમાં પણ દર્દીઓના સગા દ્વારા બોલાચાલી કરવામાં આવતાં પોલીસ પણ હવે મૂકવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત મણિનગરની એલજી હોસ્પિટલમાં રવિવારે વહેલી સવારે ઝેરી દવા પીનાર એક દર્દીને સારવાર માટે લાવવામાં આવ્યો હતો. ઇમર્જન્સી ટ્રોમા સેન્ટરમાં લાવી હાજર મહિલા રેસિડન્ટ ડોક્ટર દ્વારા દર્દીની સારવાર માટે દર્દીના સગાને કઈ દવા પીધી છે? કેવી રીતે ઘટના બની એ વિગત પૂછી રહ્યાં હતાં. સારવારની પદ્ધતિ માટે જ્યારે દર્દીના સગાને પૂછવામાં આવ્યું હતું ત્યારે અચાનક તેઓ ઉશ્કેરાયા હતા અને તમે સારવાર કરો એમ કહીને બોલાચાલી કરી હતી, જેથી ત્યાં હાજર અન્ય રેસિડન્ટ ડોક્ટર રવિ ચૌધરી ત્યાં આવ્યા હતા અને દર્દીના સગાને સમજાવી રહ્યા હતા કે સારવાર કરવા માટે કેટલીક માહિતી પૂછવી જરૂરી છે તો યોગ્ય સારવાર કરી શકાય છે.
જોકે ડોક્ટર રવિ ચૌધરી જ્યારે દર્દીના સગાને સમજાવી રહ્યા હતા ત્યારે તેમની સાથે હાજર અન્ય એક વ્યક્તિ મોબાઇલમાં વીડિયો ઉતારી રહી હતા, જેથી રવિ ચૌધરીએ તેને વીડિયો ઉતારવાની ના પાડી હતી. આ બાબતે ડોક્ટર અને દર્દીના પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ઝપાઝપી કરતાં એક વ્યક્તિએ ડોક્ટરનું ગળું દબાવ્યું હતું, જેના કારણે તાત્કાલિક ત્યાં હાજર સિક્યોરિટીના બાઉન્સર દોડી આવ્યા હતા અને તેમને છોડાવ્યા હતા.