કોલકાત્તા દુષ્કર્મ કેસ: લાવારિસ મૃતદેહોને ’વેચવા’ના રેકેટમાં પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ સામેલ હતો

કોલકાત્તાના આર. જી. કર હૉસ્પિટલમાં થયેલી રેપ-મર્ડરની ઘટના બાદ તપાસના દાયરામાં આવેલા પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની મુશ્કેલી વધતી નજર આવી રહી છે.સીબીઆઇ સતત તેની પૂછપરછ કરી રહી છે. આ વચ્ચે સંદીપ ઘોષ પર એક મોટો આરોપ લાગ્યો છે. આર જી કર મેડિકલ કૉલેજના પૂર્વ અધિકારી અખ્તર અલીએ દાવો કર્યો છે કે, સંદીપ ઘોષ લાવારિશ મૃતદેહોને વેચવા સહિત અનેક ગેરકાયદેસર ગતિવિધિઓમાં સામેલ હતો. તેમણે એ પણ આરોપ લગાવ્યો કે, ઘોષ બાંગ્લાદેશમાં બાયોમેડિકલ વેસ્ટ અને મેડિકલ સાધનોની તસ્કરી પણ કરતો હતો.

અખ્તર અલી ૨૦૨૩ સુધી આર જી કર હૉસ્પિટલમાં જ નિયુક્ત હતો. તેમણે કહ્યું કે, રાજ્ય તકેદારી આયોગ સમક્ષ આ અંગે ફરિયાદ પણ કરવામાં આવી હતી. પરંતુ તપાસમાં દોષી સાબિત થયા છતાં પણ પૂર્વ પ્રિન્સિપાલ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં નહોતી આવી.

અખ્તર અલીએ દાવો કર્યો કે, મેં ડૉ. સંદીપ ઘોષ વિરુદ્ધ રાજ્ય આરોગ્ય વિભાગને એક તપાસ રિપોર્ટ પણ મોકલ્યો હતો, પરંતુ ત્યારબાદ મારી આર જી કર હૉસ્પિટલમાંથી ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. તેમણે કહ્યું કે, જે દિવસે મેં તપાસ રિપોર્ટ સોંપ્યો એ જ દિવસે મારું ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું હતું. મારી સાથે જ તપાસ સમિતિના અન્ય બે સદસ્યોની પણ ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. વિદ્યાર્થીઓને આ માણસથી બચાવવા મેં મારાથી બનતું બધું જ કર્યું, પરંતુ હું નિષ્ફળ રહ્યો.

તમને જણાવી દઈએ કે, ડૉક્ટરની હત્યાના વિરોધ વચ્ચે રાજીનામું આપનાર સંદીપ ઘોષને રાજીનામું આપ્યાના થોડા જ કલાકોમાં કોલકાત્તા મેડિકલ કૉલેજમાં નવી નિમણૂક આપવામાં આવી હતી. જો કે, કોલકાત્તા હાઇકોર્ટે આ અંગે રાજ્ય સરકારને ફટકાર લગાવી હતી અને સંદીપ ઘોષને અનિશ્ચિત રજા પર મોકલી દીધા હતા.

અલીએ દાવો કર્યો કે, ઘોષ મેડિકલ સ્ટુડન્ટ્સને પાસ કરાવા માટે લાંચ માગતો હતો. કૉલેજમાં કેટલાક વિદ્યાર્થીઓને જાણી જોઈને ફેલ કરી દેવામાં આવતા હતા. જેથી તે પૈસા વસૂલી શકે. અલીએ આરોપ લગાવ્યો કે, સંદીપ ઘોષનું દરેક જગ્યાએ કમિશન નક્કી જ હતું.

તમને જણાવી દઈએ કે, સંદીપ ઘોષ ચારેય બાજુથી ઘેરાયો છે. સીબીઆઇની ટીમે બુધવારે સતત છઠ્ઠા દિવસે પણ ઘોષની પૂછપરછ કરી છે. અત્યાર સુધીમાં ઘોષની ૬૪ કલાક પૂછપરછ કરવામાં આવી છે.