
રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના કોટરી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક ગામમાં 14 વર્ષીય સગીરને કોલસાની ભઠ્ઠીમાં સળગાવી દેવામાં આવી છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે, હત્યા પહેલા સગીર બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ઘટનાને લઈને ભાજપના નેતા અને પૂર્વ મંત્રી કાલુલાલ ગુર્જરની આગેવાનીમાં મોટી સંખ્યામાં ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે. ઘટનાની માહિતી મળતાં જ ચાર પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે તૈનાત છે. પોલીસે આ કેસમાં 3 આરોપીઓની અટકાયત કરી છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઘટના બુધવારે રાત્રે 10:00 વાગ્યે કોટરી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક ગામમાં બની હતી. પરિવારજનોએ જણાવ્યું કે તેમની 14 વર્ષીય સગીર બાળકી બુધવારે સવારે ઘરેથી ખેતરમાં ઢોર ચરાવવા ગઈ હતી. સાંજે લગભગ 4:00 વાગ્યા સુધી તે ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતાતુર બન્યા હતા અને ત્યારબાદ તેની તલાશી લેવામાં આવી. પરિવારજનો અને ગ્રામજનો તેને શોધી રહ્યા હતા આ દરમિયાન 10:00 વાગ્યે ગામની બહાર વરસાદમાં કોલસાની ભઠ્ઠી સળગતી જોઈને ગ્રામજનોને શંકા ગઈ. તેઓએ નજીક જઈને જોયું તો સગીર ભઠ્ઠીમાં સળગતી નજર આવી.
પરિવારજનોનું કહેવું છે કે, હાજર 3 લોકોની પૂછપરછ કરવામાં આવી તો તેમણે જણાવ્યું કે, સગીર બાળકી સાથે ગેંગરેપ કરીને તેને ભઠ્ઠીમાં સળગાવી દીધી. ભઠ્ઠીની બહાર ચાંદીના કડા અને જૂતા પડેલા મળી આવ્યા હતા. માહિતી મળતા જ એએસપી કિશોરીલાલ અને કોટરી સીઓ શ્યામસુંદર વિશ્નોઈ સહિત 4 પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ રાત્રે જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સવારથી જ ઘટનાસ્થળે ગ્રામજનોની ભીડ ઉમટી પડી હતી. પોલીસે એફએસએલ ટીમને બોલાવીને સ્થળ પરથી પુરાવા એકત્ર કર્યા છે.
આ ઘટના સામે આવ્યા બાદ રાજસ્થાન ગુર્જર મહાસભાના પ્રદેશ અધ્યક્ષ, બીજેપી નેતા કાલૂલાલ ગુર્જર અને જિલ્લા અધ્યક્ષ શંકરલાલ ગુર્જર સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઘટના સ્થળ પર હાજર છે. પ્રદર્શન કરી રહેલા લોકોએ પોલીસને ઘટનાસ્થળેથી સગીરના અવશેષો ઉપાડવાની ના પાડી દીધી છે. તેઓ કલેક્ટર અને એસપીને સ્થળ પર બોલાવવાની માંગ પર અડગ છે.