
બાંગ્લાદેશમાં સરકાર વિરોધી દેખાવો ઉગ્ર બન્યા છે. દરમિયાન, વડા પ્રધાન શેખ હસીનાના પુત્રએ સોમવારે દેશના સુરક્ષા દળોને સત્તા પર કબજો અટકાવવા વિનંતી કરી હતી. તમને જણાવી દઈએ કે સેંકડો દેખાવકારો હસીનાના પદ પરથી રાજીનામું આપવાની માંગ કરી રહ્યા છે.
યુએસ સ્થિત સાજિદ વાજિદ જોયે એક ફેસબુક પોસ્ટમાં સુરક્ષા દળોને કહ્યું, તમારી જવાબદારી આપણા લોકો અને દેશને સુરક્ષિત રાખવાની અને બંધારણને જાળવી રાખવાની છે. આનો અર્થ એ છે કે કોઈ પણ બિનચૂંટાયેલી સરકાર એક મિનિટ માટે પણ સત્તામાં ન હોવી જોઈએ. તે તમારી ફરજ છે. જોય હસીના સરકારના ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી સલાહકાર પણ છે.
જોયે ચેતવણી આપી હતી કે બાંગ્લાદેશ દ્વારા કરવામાં આવેલી પ્રગતિ જોખમમાં મૂકાશે જો તેઓને આવું કરવાની ફરજ પાડવામાં આવશે. આપણો વિકાસ અને પ્રગતિ બધું જ અદૃશ્ય થઈ જશે. બાંગ્લાદેશ ત્યાંથી પરત ફરી શકશે નહીં. તેણે કહ્યું, મારે આ નથી જોઈતું અને તમને પણ આ જોઈતું નથી. જ્યાં સુધી બની શકે, હું આવું થવા નહીં દઉં. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, જુલાઈમાં હિંસા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં લગભગ ૩૦૦ લોકો માર્યા ગયા છે.સરકારી નોકરીઓમાં અનામત પ્રથા નાબૂદ કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓનું પ્રદર્શન ગયા મહિને શરૂ થયું હતું. હિંસક વિરોધને કારણે ૨૦૦ થી વધુ લોકોના મોત થયા હતા. જે બાદ પ્રદર્શનકારીઓએ શેખ હસીનાના રાજીનામાની માંગ કરી હતી.
હિંસા વચ્ચે હસીનાએ કહ્યું હતું કે, તોડફોડ અને વિનાશ કરનારા વિરોધીઓ હવે વિદ્યાર્થીઓ નથી પરંતુ ગુનેગાર છે. તેમની સાથે કડક કાર્યવાહી થવી જોઈએ. બાંગ્લાદેશના આર્મી ચીફ વોકર-ઉઝ-ઝમાન રાષ્ટ્રને સંબોધિત કરવાના છે, એમ સેનાના પ્રવક્તાએ એએફપીને જણાવ્યું હતું. જાહેર સેવાની નોકરીઓમાં અનામત વિરુદ્ધ રેલીઓ ગયા મહિને શરૂ થઈ હતી. જેમાં હસીનાના ૧૫ વર્ષના શાસનમાં સૌથી ખરાબ અશાંતિ જોવા મળી હતી.