કોઈ રડે છે, કોઈ ચૂપ છે તો કોઈ બૂમો પાડે:ઓડિશા ટ્રેન અકસ્માતના ઘાયલો આઘાતમાં; ઈજાગ્રસ્તો માનસિક રોગના શિકાર બન્યા

ભુવનેશ્ર્વર, ઓડિશાના બાલાસોરમાં ટ્રિપલ ટ્રેન અકસ્માતની ભયાનક વાતો સામે આવી રહી છે. આ દુ:ખદ અકસ્માતમાં જેઓ બચી ગયા છે અથવા ઘાયલ થયા છે તેઓને ઝડપથી સાજા કરવામાં આવી રહ્યા છે. પરંતુ કટકની SCB મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ ૧૦૫ દર્દીઓમાંથી લગભગ ૪૦ને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર હોવાનું નિદાન થયું છે. આ તમામ દર્દીઓ માટે કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવ્યું છે. સગા-સંબંધીઓની હાજરીમાં નિષ્ણાતો દર્દીઓનો ડર દૂર કરી રહ્યા છે. ડૉક્ટરોએ શનિવારે આ વિશે માહિતી આપી હતી.

જણાવીએ કે ટ્રિપલ ટ્રેન દુર્ઘટનામાં ૨૮૮ મુસાફરોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે ૧૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. ક્લિનિકલ સાયકોલોજી વિભાગના એસોસિેટ પ્રોફેસર ડૉ. જશોબંતા મહાપાત્રાએ જણાવ્યું કે, અકસ્માતમાં બચી ગયેલા લોકોની માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખીને હોસ્પિટલે તમામ દર્દીઓનું કાઉન્સેલિંગ શરૂ કર્યું છે. ડૉ.મહાપાત્રાએ જણાવ્યું કે આવા અકસ્માતના કારણે બચી ગયેલા લોકોના મગજ પર ગંભીર અસર થવી સ્વાભાવિક છે.

તેમણે કહ્યું કે, ઘણા લોકો ગંભીર રીતે તણાવગ્રસ્ત, ડરેલા, ક્યારેક ગભરાયેલા જોવા મળે છે. ઘાયલો પૈકી કેટલાક સાવ શાંત જોવા મળી રહ્યા છે. અમે તેમનું કાઉન્સેલિંગ કરી રહ્યા છીએ અને તેમના પરિવારના સભ્યો સાથે વાત કરી રહ્યા છીએ. ડૉ. મહાપાત્રાએ કહ્યું કે હોસ્પિટલે બચી ગયેલા લોકોનું કાઉન્સેલિંગ કરવા માટે ચાર ટીમો બનાવી છે.

તેમણે જણાવ્યું હતું કે દરેક ટીમમાં એક મનોચિકિત્સક, એક મનોવિજ્ઞાની, એક સામાજિક કાર્યકર અને દર્દીના પરિવારના એક કે બે સભ્યોનો સમાવેશ થાય છે. સર્જરી વિભાગના એક નર્સે જણાવ્યું કે જે લોકો બચી ગયા છે તેઓ સારી રીતે સૂઈ પણ શક્તા નથી. આ લોકોની નજર સામે આજે પણ ભયાનક દ્રશ્ય છવાયેલું રહે છે. સપનામાં અકસ્માત આવતા જ ઉંઘ ઉડી જાય છે. તેમણે કહ્યું કે તમામ દર્દીઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે.અકસ્માતમાં ૨૩ વર્ષીય દર્દીના બંને હાથ અને પગ ભાંગી ગયા હતા. તે દિવસે કે રાતે સૂઈ શક્તો નથી. તેની આંખોની સામે અકસ્માતનું દ્રશ્ય વારંવાર આવે છે. એક ડોક્ટરે જણાવ્યું કે આ દર્દી આંખો બંધ કરવાથી પણ ડરે છે કારણ કે તેની સામે અકસ્માતના દ્રશ્યો આવેી જાય છે.અન્ય યુવક પણ દાખલ છે. તેણે તેનો શ્રેષ્ઠ મિત્ર ગુમાવ્યો છે. તે ઘણીવાર તેની ઊંઘમાં તેના મિત્રનું નામ બોલે છે અને ઊંઘમાંથી જાગી જાય છે. અન્ય એક ડોક્ટરે જણાવ્યું કે કેટલાક દર્દીઓ માત્ર દિવાલ તરફ જોઈ રહ્યા છે. એકદમ ગુમસુમ રહે છે.

હોસ્પિટલમાં ૧૦૫ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આમાંથી ત્રણના પગ સાવ અલગ થઈ ગયા છે. જ્યારે અન્ય દર્દીઓ પગ અને અંગો ગુમાવ્યા છે. કેટલાકને કરોડરજ્જુની ઇજા છે.અન્ય એક ડોક્ટરે જણાવ્યું કે આ દર્દીઓ તેમની હાલત જોઈને રડે છે. જ્યારે કેટલાક અન્ય લોકો મોટેથી હસે છે. તેમણે જણાવ્યું હતું કે આ લક્ષણો સમય સાથે સાજા થઈ શકે છે. ડૉ.મહાપાત્રાએ દાવો કર્યો હતો કે તમામ દર્દીઓની હાલત સ્થિર છે. આશા છે કે દરેક દર્દીનો માનસિક રીતે તણાવ દૂર થશે. કેટલાક અન્ય સંવેદનશીલ દર્દીઓ સાજા થવામાં અન્ય કરતા થોડો વધુ સમય લઈ શકે છે.પીટીએસડીએ એક માનસિક સ્થિતિ છે જે સામાન્ય રીતે અકસ્માત અથવા ખૂબ જ ખરાબ પરિસ્થિતિનો અનુભવ કર્યા પછી દર્દીઓમાં જોઈ શકાય છે. આ ડિસઓર્ડરના લક્ષણોમાં લેશબેક, ઘટના વિશે સ્વપ્ન જોવું, હાઈ એગ્ઝાઈટી લેવલ અને ઘટના વિશે સતત વિચારોનો સમાવેશ થાય છે, જે સામાન્ય જીવન જીવવું મુશ્કેલ બનાવે છે. ઘણી પરિસ્થિતિઓમાં, દર્દી પોતાની જાતને નુક્સાન પહોંચાડવાનો પ્રયાસ પણ કરે છે જેથી તેને અકસ્માત અથવા તેની સાથે સંકળાયેલી યાદોથી છૂટકારો મેળવી શકે. ખરેખરમાં, દર્દી ઘટનાથી સંબંધિત કોઈ પણ પરિસ્થિતિ અથવા વસ્તુથી ડરવા લાગે છે. અમુક કિસ્સામાં દર્દી ઈચ્છા ન હોવા છતાં મનમાં અકસ્માતનો ફરી અનુભવ કરે છે, જે તેના આઘાતમાં વધારો કરે છે. તે દર્દીને વાસ્તવિક્તાથી દૂર લઈ જાય છે.