આજે ઓમ બિરલાને વોઇસ વોટ દ્વારા લોક્સભાના નવા સ્પીકર તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ઓમ બિરલાનો આ સતત બીજો કાર્યકાળ છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોક્સભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને ગૃહના અન્ય સભ્યોએ પણ ઓમ બિરલાને સ્પીકર તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ દરમિયાન સપા પ્રમુખ અખિલેશ યાદવે કંઈક એવું કહ્યું, જેના પર ગૃહના ઘણા સભ્યો જોરથી હસી પડ્યા.
સ્પીકરને અભિનંદન આપતાં સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું, ’લોક્સભાના નવા ચૂંટાયેલા અયક્ષને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. તમને આ ગૃહના અધ્યક્ષ તરીકે ફરીથી ચૂંટવામાં આવ્યા છે. તમારી પાસે પાંચ વર્ષનો અનુભવ છે, અને તમને જૂના અને નવા ગૃહોનો પણ અનુભવ છે. હું મારા પોતાના વતી અને મારા સાથી સાંસદો વતી અભિનંદન આપું છું. તમે જે પદ પર છો તેની સાથે ઘણી ભવ્ય પરંપરાઓ જોડાયેલી છે. અમે બધા માનીએ છીએ કે લોક્સભાની કાર્યવાહી કોઈપણ ભેદભાવ વિના આગળ વધશે અને લોક્સભાના અધ્યક્ષ તરીકે તમે તમામ સાંસદો અને દરેક પક્ષને બોલવાની તક આપશો.
અખિલેશે કહ્યું, ’તમે લોક્તાંત્રિક ન્યાયના મુખ્ય ન્યાયાધીશ તરીકે બેઠા છો. અમારી અપેક્ષા એ છે કે કોઈપણ સભ્યનો અવાજ દબાવવામાં ન આવે અને કોઈપણ સભ્યને હાંકી કાઢવા જેવી કાર્યવાહી કરીને ગૃહની ગરિમાને નુક્સાન ન થાય. તમારું નિયંત્રણ વિપક્ષ પર રહે છે, પરંતુ શાસક પક્ષ પર પણ તમારું નિયંત્રણ છે. સ્પીકર સાહેબ, ગૃહ તમારા નિર્દેશો પર ચાલવું જોઈએ, તેનાથી વિપરીત ન થવું જોઈએ. અમે તમારા દરેક ન્યાયી નિર્ણય સાથે ઉભા છીએ.
હું પ્રથમ વખત નવા ગૃહમાં આવ્યો છું, હું જ્યાંથી આવ્યો છું ત્યાં સ્પીકરની ખુરશી ખૂબ ઊંચી છે. મને લાગ્યું કે આપણી સ્પીકરની ખુરશી પણ ઉંચી હોવી જોઈએ…હું કોને કહું કે આ ખુરશી ઉંચી થવી જોઈએ. હું આશા રાખું છું કે તમે સત્તાધારી પક્ષ જેટલું જ વિપક્ષનું પણ સન્માન કરશો. અખિલેશે સ્પીકરની ખુરશી વિશે વાત કરતા જ ગૃહના ઘણા સભ્યો જોરથી હસી પડ્યા.