નવીદિલ્હી, સમુદાયો વચ્ચે સુમેળ અને સહાનુભૂતિ હોવી જોઈએ તેવું અવલોકન કરીને, સુપ્રીમ કોર્ટે શુક્રવારે કેન્દ્રને અપ્રિય ભાષણના કેસોની તપાસ કરવા માટે એક સમિતિની રચના કરવા જણાવ્યું હતું. સર્વોચ્ચ અદાલત હરિયાણા સહિત અનેક રાજ્યોમાં રેલીઓ દરમિયાન ચોક્કસ સમુદાયના સભ્યોની હત્યા અને તેમના સામાજિક અને આર્થિક બહિષ્કારની હાકલ કરતી કથિત દ્વેષપૂર્ણ ભાષણો અંગેની અરજી પર સુનાવણી કરી રહી હતી. હરિયાણામાં તાજેતરમાં કોમી અથડામણમાં છ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
જસ્ટિસ સંજીવ ખન્ના અને એસવીએન ભાટીની બેન્ચે કેન્દ્ર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ કેએમ નટરાજને સરકાર પાસેથી સૂચનાઓ લેવા અને ૧૮ ઑગસ્ટ સુધીમાં કમિટી વિશે માહિતી આપવા જણાવ્યું હતું. બેન્ચે કહ્યું કે સમુદાયો વચ્ચે સંવાદિતા અને સૌહાર્દ હોવું જોઈએ. તમામ સમુદાયો જવાબદાર છે. અપ્રિય ભાષણની સમસ્યા સારી નથી અને તેને કોઈ સ્વીકારી પણ શક્તું નથી.
સર્વોચ્ચ અદાલતે અરજદારને વિડિયો સહિતની તમામ સામગ્રી એકત્ર કરવા અને ૨૧ ઓક્ટોબર, ૨૦૨૨ના તેના આદેશના અનુસંધાનમાં નિયુક્ત નોડલ અધિકારીઓને સોંપવાનો પણ નિર્દેશ આપ્યો હતો. પત્રકાર શાહીન અબ્દુલ્લા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં સર્વોચ્ચ અદાલતના ૨ ઓગસ્ટના આદેશને ટાંકવામાં આવ્યો છે. અમે આશા અને વિશ્ર્વાસ રાખીએ છીએ કે રાજ્ય સરકારો અને પોલીસ એ સુનિશ્ર્ચિત કરશે કે ઓળખને ધ્યાનમાં લીધા વિના કોઈપણ સમુદાય વિરુદ્ધ કોઈ દ્વેષપૂર્ણ ભાષણ કરવામાં નહીં આવે અને કોઈ શારીરિક હિંસા અથવા સંપત્તિને નુક્સાન ન થાય, એમ આદેશમાં કહેવામાં આવ્યું છે.
નોંધવું કે અપ્રિય ભાષણ વાતાવરણને બગાડે છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે જ્યાં પણ જરૂરી હોય ત્યાં પર્યાપ્ત પોલીસ દળ અથવા અર્ધલશ્કરી દળ તૈનાત કરવામાં આવશે અને પોલીસ સહિતના સત્તાવાળાઓએ તમામ સંવેદનશીલ વિસ્તારોમાં સ્થાપિત સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરવો જોઈએ અથવા વિડિયો રેકોર્ડિંગ કરાવવું જોઈએ.