કોહલી-રોહિતના આધારે વર્લ્ડ કપનું સપનું પૂરું કરવા ઈચ્છો છો તો એવું નહીં થાય: દેવ

મુંબઇ,

શ્રીલંકા સામે શરૂ થનારી ટી ૨૦ સીરિઝને એક બાજુથી ટ્રાંજિશન પીરિયડની શરૂઆત માનવામાં આવી રહી છે. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા આ મિશનને જીતવા માટે ઉતરશે. ટીમ ઈન્ડિયાની સામે વન-ડે વર્લ્ડ કપ અને ટી ૨૦ વર્લ્ડ કપ પણ છે, આવી સ્થિતિમાં હવે આ મિશન બીસીસીઆઇ અને ખેલાડીઓની નજરમાં છે.

પૂર્વ ક્રિકેટ કેપ્ટન કપિલ દેવે આ દરમિયાન વર્લ્ડ કપ મિશનને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું છે કે જો વિરાટ કોહલી કે રોહિત શર્માના આધારે જ વર્લ્ડ કપનું સપનું પૂરું કરવા ઈચ્છો છો તો તેવું નહીં થાય, કારણ કે માત્ર એક-બે ખેલાડીઓ જ વર્લ્ડ કપ જીતાડી શકશે નહીં.

કપિલ દેવે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો તમારે વર્લ્ડ કપ જીતવો હોય તો કોચ, સિલેક્ટર અને કેપ્ટને કેટલાક આકરા નિર્ણયો લેવા પડશે. અહીં અંગત ફાયદા પાછળ મૂકી અને ટીમ માટે વિચારવું પડશે. વિરાટ, રોહિત અથવા ૨-૩ ખેલાડીઓ પર આધાર રાખીને વર્લ્ડ કપ જીતવા માંગતા હોવ તો તે ક્યારેય નહીં થાય. તમને ટીમ પર વિશ્ર્વાસ હોવો જોઈએ, શું આપણી પાસે આવી ટીમ છે. હા, શું આપણી પાસે મેચ વિનર છે, તો બિલકુલ છે. તમને તમારી ટીમ પર વિશ્ર્વાસ હોવો જોઈએ.

જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાએ લગભગ એક દાયકાથી કોઈ આઈસીસી ટ્રોફી જીતી નથી, તે જ કારણ છે કે બધાની નજર વર્લ્ડ કપ પર છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લે આઇસીસી ટ્રોફી ૨૦૧૩માં જીતી હતી, જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફી તેમના નામ પર કરી હતી. વર્ષ ૨૦૨૨ના ટી ૨૦ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં હારી ગઈ હતી.

હવે ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ને ધ્યાનમાં રાખીને હાર્દિક પંડ્યાને નવા ટી ૨૦ કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો છે, સાથે જ તે ટી ૨૦ ટીમમાંથી સીનિયર ખેલાડીઓને છોડવાની તૈયારી કરી રહ્યો છે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલ જેવા વરિષ્ઠ ખેલાડીઓને શ્રીલંકા સામેની ટી ૨૦ સીરિઝમાંથી આરામ આપવામાં આવ્યો છે.