કોહલીની ટેસ્ટમાં 30મી સેન્ચુરી, ડોન બ્રેડમેનથી આગળ નીકળ્યો ; ભારતીય બોલર્સના સપાટાથી ઓસ્ટ્રેલિયાની 3 વિકેટ પડી ગઈ

વિરાટ કોહલીએ પોતાના ટેસ્ટ કરિયરની 30મી સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચની બીજી ઇનિંગમાં અણનમ 100 રનની ઇનિંગ રમી હતી. કોહલીએ સૌથી વધુ ટેસ્ટ સદીના મામલે ઓસ્ટ્રેલિયાના મહાન બેટર ડોન બ્રેડમેન (29 સદી)ને પાછળ છોડી દીધો છે. કોહલી અને યશસ્વી જયસ્વાલ (161 રન)ની સદીના આધારે ભારતે 487/6 પર પોતાની ઇનિંગ ડિકલેર કરી હતી. આ સાથે ઓસ્ટ્રેલિયાને 534 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

રન ચેઝમાં ઓસ્ટ્રેલિયાએ સ્ટમ્પ્સ સુધી 12 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી છે. ઉસ્માન ખ્વાજા 3 રન બનાવીને અણનમ છે, જ્યારે માર્નસ લાબુશેન 3, કેપ્ટન પેટ કમિન્સ 2 અને નાથન મેકસ્વીની ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યા છે. કેપ્ટન જસપ્રીત બુમરાહે 2 અને મોહમ્મદ સિરાજે એક વિકેટ ઝડપી હતી.

ભારતીય ઇનિંગ્સમાં જયસ્વાલ-કોહલી ઉપરાંત નીતિશ રેડ્ડી 38 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. વોશિંગ્ટન સુંદરે 29 રન, દેવદત્ત પડિકલે 25 રન અને કેએલ રાહુલે 77 રન બનાવ્યા હતા. નાથન લાયનને 2 વિકેટ મળી હતી.

ટીમ ઈન્ડિયાએ ત્રીજા દિવસે 172 રનના સ્કોરથી રમવાનું શરૂ કર્યું હતું. જયસ્વાલે 90 રનથી અને કેએલ રાહુલે 62 રનથી ઇનિંગને આગળ ધપાવી હતી. ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 104 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ રીતે ભારતને પહેલી ઇનિંગમાં 46 રનની લીડ મળી હતી. ભારતીય ટીમે પ્રથમ ઇનિંગમાં 150 રન બનાવ્યા હતા.

બન્ને ટીમની પ્લેઇંગ-11

ભારત: જસપ્રીત બુમરાહ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિક્કલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન સુંદર, નીતિશ રેડ્ડી, હર્ષિત રાણા અને મોહમ્મદ સિરાજ.

ઓસ્ટ્રેલિયા: પેટ કમિન્સ (કેપ્ટન), નાથન મેકસ્વિની, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટકીપર), મિચેલ સ્ટાર્ક, નાથન લાયન અને જોશ હેઝલવુડ.