કોહલીના આઉટ થવા પર મચ્યો હોબાળો! સિદ્ધુ બોલ્યાં : છાતી ઠોકીને કહું છું કે અમ્પાયરનો નિર્ણય ખોટો

મુંબઇ,કેકેઆર અને આરસીબી વચ્ચે મેચ રમાઈ હતી જેમાં આરસીબી માત્ર એક રનથી મેચ હાર્યું. પરંતુ આ મેચમાં સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને આઉટ આપવાના નિર્ણયને લઈને વિવાદ થઈ ગયો છે. હવે કેકેઆર સામે વિરાટ કોહલીના આઉટ થવા પર નવજોત સિંહ સિદ્ધુની પ્રતિક્રિયા સામે આવી છે. સિદ્ધુએ કહ્યું છે કે હું છાતી ઠોકીને કહું છું કે તે નોટઆઉટ હતો અને અમ્પાયરનો નિર્ણય ખોટો હતો.

તેમણે કહ્યું કે વિરાટ કોહલીને આઉટ ન આપવો જોઈતો હતો. સિદ્ધુએ કહ્યું કે નિયમો બદલાયા છે અને જે પણ રમતના હિતમાં છે તે જ નિયમો હોય છે. તેમણે આગળ કહ્યું કે બોલની ઈમ્પેક્ટ પણ જોવી જોઈએ. હર્ષિત રાણાની કમરની સુધીની ઊંચાઈ પર આવેલા બોલ પર વિરાટ આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ કોહલીએ તેનો રિવ્યુ લીધો હતો પરંતુ અમ્પાયરે પોતાના નિર્ણયમાં આ બોલને નો બોલ ન ગણ્યો. ત્યારબાદ વિરાટ કોહલી ખૂબ ગુસ્સે થઈ ગયો હતો અને બહાર નીકળતી વખતે અમ્પાયર સાથે દલીલ પણ કરી હતી.

નવજોત સિંહ સિદ્ધુએ કોમેન્ટ્રી દરમિયાન કહ્યું કે સૌથી પહેલા તે બીમર હતો. સામાન્ય રીતે જ્યારે બોલર બીમર ફેંકે છે ત્યારે તે બેટ્સમેનને સોરી કહે છે. જો પોઈન્ટ ઓફ ઈમ્પેક્ટની વાત કરીએ તો તે કમરથી લગભગ દોઢ ફૂટ ઉપર હતો. સિદ્ધુએ કહ્યું કે આ નિયમ બદલવો જોઈએ. એક જ નિર્ણયે આ ગેમના રંગમાં ભંગ નાખી દીધો. તેણે કહ્યું કે કોહલીએ પોઈન્ટ ઓફ ઈમ્પેક્ટ પર બોલ પરથી નજર હટાવી લીધી છે. તે સ્તબ્ધ રહી ગયો હતો. સિદ્ધુએ કહ્યું કે, તે નોટઆઉટ હતો. આમાં અમ્પાયરે એકવાર કેપ્ટન તરફ જોવું જોઈતું હતું.

આગળ સિદ્ધુએ ધોનીનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે મેં જોયું છે કે ધોનીએ ચાલુ ટેસ્ટ મેચમાં ઈયાન બેલને બોલાવ્યો હતો. ત્યારબાદ ઈયાન બેલે ૨૦૦ રન બનાવ્યા હતા પરંતુ આ નિર્ણય માટે ધોનીને ઈન્ટરનેશનલ સ્પોર્ટ્સમેનશિપ એવોર્ડ આપવામાં આવ્યો હતો. સિદ્ધુએ કહ્યું કે હું તમને આવા દસ ઉદાહરણો આપી શકું છું. તેમણે કહ્યું કે તમે બીમર મારીને કોહલીને આઉટ કરશો અને આશા રાખશો કે સિદ્ધુ તેનો સ્વીકાર કરશે. હું છાતી ઠોકીને કહું છું કે તે નોટઆઉટ હતો.