મુંબઇ, આઈપીએલમાં રનના ઢગલાં ખડકનાર રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી હજી સુધી ચેન્નાઈના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં વધુ સફળ સાબિત નથી રહ્યો અને આ વર્ષે આઈપીએલની પ્રારંભિક મેચમાં સુપર કિંગ્સ સામે તેના સામે આ પડકાર રહેશે. વિરાટ કોહલી અદભૂત બેટ્સમેન છે અને તે અન્ય કરતા જુદો છે. કોહલીના આઈપીએલમાં ૨૩૭ મેચમાં ૭,૨૬૩ રન છે જેમાં ૧૩૦ની સ્ટ્રાઈક રેટ સાથે સાત સદી પણ છે. પરંતુ કોહલીનો દબદબો ચેન્નાઈના ચેપોક ખાતે નથી જોવા મળ્યો. આ મેદાન પર તેની એવરેજ ૩૦ની છે અને સ્ટ્રાઈક રેટ પણ ૧૧૧ છે. આ સંદર્ભમાં ભારતીય ટીમના પૂર્વ ઓફ સ્પિનર હરભજન સિંહનું માનવું છે કે આઈપીએલ ૨૦૨૪ના પ્રારંભિક મુકાબલામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ સામે વિરાટ કોહલીએ વધુ શાનદાર દેખાવ કરવો પડશે. ૨૨મી માર્ચે આઈપીએલનો પ્રારંભ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરના મુકાબાલીથી થશે.
વિરાટના એકંદરે દેખાવને જોતા તેની મહાનતા આ સ્થળ પર શાંત પડતી જણાય છે. ચેપોક વિચિત્ર સ્થળ છે. અહીંની પિચ પર ટેનિસ બોલની માફક અનિશ્ર્ચિત બાઉન્સ જોવા મળે છે જેને પગલે ઓપનિંગ કરનાર બેટ્સમેન માટે થોડી મુશ્કેલી રહે છે તેમ હરભજને જણાવ્યું હતું. ’સીએસકેની ટીમમાં મહાન ઓલરાઉન્ડર જાડેજા છે જે સ્ટમ્પ ટુ સ્ટમ્પ બોલિંગ માટે જાણીતો છે. તે સામાન્ય બોલને ટર્ન કરાવવામાં અને તેને નીચો રાખવામાં મહારથ ધરાવે છે. આ મેદાન ખરેખર આશ્ર્ચર્યથી ભરેલું છે.’ સીએસકે વિરુદ્ધ કોહલી પાવર પ્લેમાં છેલ્લી પાંચ ઈનિંગ્સ પૈકી ત્રણ ઈનિંગ્સમાં આઉટ થયો છે. કોહલીના ચેપોકમાં કંગાળ રેકોર્ડને જોતા તેણે આ વર્ષે સીએસકે સામેની પ્રારંભિક મેચમાં આ મ્હેણું ભાંગીને વધુ લાંબો સમય પિચ પર ટકીને શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે તેમ પૂર્વ ઓફ સ્પિનરે જણાવ્યું હતું. કોહલી જો શરૂઆતથી અંત સુધી ટકી રહે છે તો તે મેચમાં વિજયી દેખાવ કરી શકે છે. બેંગલોરમાં તેણે બે સદી ફટકારી છે પરંતુ ચેપોકમાં તે આ જ લય જાળવી રાખશે તે જરૂરી નથી. આઈપીએલમાં કોહલીએ ચેપોક ખાતે એક પણ સદી ફટકારી નથી અને સીએસકે સામેનો તેનો રેકોર્ડ સાધારણ છે. ગત વર્ષની ચેમ્પિયન સીએસકે સામે કોહલીએ ૩૦ મેચમાં કુલ ૯૮૫ રન કર્યા છે જેમાં સર્વોચ્ચ ૯૦ રન છે.
હરભજન સિંહ જે અગાઉ સીએસકે તરફથી રમી ચૂક્યો છે તેના મતે કોહલીએ તેના ૨૦૧૬ના ફોર્મ જેવો દેખાવ આ વર્ષે કરવો પડશે અને તેનાથી તે આઈપીએલમાં આરસીબીના ટાઈટલના દુકાળનો અંત લાવી શકે છે. કોહલી વધુ રન કરે છે તો જ આરસીબીની જીત શક્ય બને છે, આ વર્ષે તેઓ ખિતાબ જીતે છે કે નહીં તે કહી શકાય નહીં. આરસીબી પાસે વિરાટ ઉપરાંત, ગ્લેન મેક્સવેલ, કેમરૂન ગ્રીન જેવા મહાન ખેલાડીઓ છે. આ ઉપરાંત પાટિદાર પણ ટીમનો હિસ્સો છે જે સારી બેટિંગ માટે જાણીતો છે.