- પેથાપુરમાં પણ તાવ અને ઝાડા-ઉલટીના ૨૦ દર્દીઓ સામે આવતાં આરોગ્ય તંત્ર દોડતું.
ગાંધીનગર, કલોલ શહેરી વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી ડહોળું પાણી આવતું હોવાની ઘણા વિસ્તારોમાંથી બૂમરાણ ઉઠી હતી. એવામાં કલોલ નગરપાલિકા વિસ્તારમાં એક્સાથે ૧૧ કોલેરાના દર્દીઓ મળી આવતાં જિલ્લા કલેકટર દ્વારા જુમ્મા મસ્જિદ, મટવા કૂવા, બાંગ્લાદેશી છાપરા, અંકુમન વાડી વિસ્તાર તેમજ ગુલિસ્તાં પાર્કનાં બે કિ.મી વિસ્તારને સત્તાવાર રીતે કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે. બીજી તરફ ગાંધીનગર મનપા વિસ્તારના પેથાપુરની સ્વપ્ન વીલા બંગલો વિસ્તારમાં પણ વીસ જેટલા તાવ અને ઝાડા ઉલ્ટીના દર્દીઓ હોવાની બૂમ ઉઠતાં આજે સવારથી આરોગ્ય ટીમે ઘરે ઘરે સર્વેલન્સ શરૂ કરી પાણીના સેમ્પલો લેવામાં આવી રહ્યા છે.
કલોલ શહેરી વિસ્તારમાં છેલ્લાં ઘણાં દિવસોથી દૂષિત પાણી આવતું હોવાની વ્યાપક બૂમરાણ ઉઠવા પામી હતી. થોડા દિવસ અગાઉ પાંચ હાટડી બજાર વિસ્તારમાં છૂટાછવાયા ઝાડા ઉલ્ટીના કેસ સામે આવ્યા હતા. આ મામલે કલોલ નગરપાલિકા તંત્ર દ્વારા પાંચેક દિવસ સુધી લીકેજ શોધવા માટે બરાબરની ક્સરત કરી હતી. ત્યારે જઈને ગટર – પીવાના પાણીની લાઇન એક સાથે જતી ચેમ્બરની લાઈનમાં ભંગાણ હોવાનું સામે આવ્યું હતું. જેને તંત્ર દ્વારા મહામુસીબતે રીપેરીંગ કરાતાં વસાહતીઓ એ રાહત અનુભવી હતી. ત્યારે છેલ્લા પંદરેક દિવસથી જુમ્મા મસ્જિદ, મટવા કૂવા, બાંગ્લાદેશી છાપરા, અંકુમન વાડી વિસ્તાર તેમજ ગુલિસ્તાં પાર્ક વિસ્તારોમાં પણ ઝાડા ઉલ્ટી તેમજ તાવના દર્દીઓ મળી આવવાની શરૂઆત થઈ હતી. તેમ છતાં કલોલ નગરપાલિકાની તંત્ર કુંભ કર્ણની નિંદ્રામાં પોઢી ગયું હતું. ત્યારે અચાનક જ કોલેરાનાં દર્દીઓમાં ઉછાળો આવતાં જ કલોલ મનપા તંત્ર હવે જઈને દોડતું થયું છે. અત્રેના વિસ્તારમાં એક્સાથે ૧૧ દર્દીઓ કોલેરાની બીમારીમાં સપડાતા ૯ દર્દીને સારવાર અર્થે અલગ અલગ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.
જિલ્લા કલેકટર હિતેશ કોયાએ કલોલના જુમ્મા મસ્જિદ, મટવા કૂવા, બાંગ્લાદેશી છાપરા, અંકુમન વાડી વિસ્તાર તેમજ ગુલિસ્તાં પાર્કનાં બે કિલોમીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરી દેવામાં આવ્યો છે. જેનાં પગલે સવારથી કલોલ પ્રાંત, મામલતદાર સહિત આરોગ્ય ટીમ દ્વારા અત્રેના વિસ્તારોમાં ધામા નાખવામાં આવ્યા છે. અહીં ઘરે ઘરે સઘન સર્વેલન્સ હાથ ધરી તાવ તેમજ ઝાડા ઉલ્ટીના દર્દીઓને જરૂરી દવા પણ વિતરણ કરાઈ રહી છે.
બીજી તરફ ગાંધીનગર મહા નગરપાલિકા વિસ્તારના પેથાપુરની સ્વપ્ન વીલા બંગલો વસાહતમાં પણ ઘણા દિવસોથી વીસેક જેટલા તાવ અને ઝાડા ઉલ્ટીના દર્દીઓ પ્રકાશમાં આવ્યા છે. જેનાં પગલે સોસાયટી દ્વારા મનપા તંત્રને જાણ કરવામાં આવતા આજ સવારથી જ કોર્પોરેશનની આરોગ્ય ટીમ દ્વારા સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે. તેમજ શંકાસ્પદ દર્દીઓના બ્લડ સેમ્પલ લઈ જરૂરી દવા પણ આપવામાં આવી રહી છે. આ અંગે મનપા આરોગ્ય તંત્રના ડો. કલ્પેશ ગોસ્વામીએ કહ્યું હતું કે, સ્વપ્ન વીલા બંગલો વસાહતમાં ઝાડા ઉલ્ટી અને તાવના દર્દીઓ હોવાની બૂમ ઉઠતાં હાલમાં મેડિકલ ટીમ દ્વારા સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે.
ગાંધીનગર કોર્પોરેશનની ટીમ દ્વારા ઘરે ઘરે ફરીને દર્દીઓની હિસ્ટ્રી મેળવવામાં આવી રહી છે. તેમજ પાણીના સેમ્પલ લઈને લેબોરેટરીમાં પૃથક્કરણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આજ બપોર સુધીમાં આવી જશે. જો કે તકેદારીના ભાગરૂપે કોર્પોરેશનની આરોગ્ય ટીમ દ્વારા હાલમાં ઉપરોક્ત સોસાયટી વિસ્તારમાં ધામા નાંખી સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કલોલ શહેરના રેલવે પૂર્વ વિસ્તારમાં દૂષિત પાણીના કારણે ઝાડા-ઉલ્ટીનો રોગચાળો ફાટી નીકળતા પિતા-પુત્ર અને એક બાળકી સહિત ત્રણ વ્યક્તિના મોત થયા હતા. તંત્રએ લિકેઝ પાઇપલાઇન રિપેર નહીં કરાવતાં ૧૦૦થી વધુ લોકો ઝાડા-ઉલ્ટીમાં સપડાયાં હતાં. જેનાં પગલે બે કિ.મી વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કરવો પડ્યો હતો. ત્યારે હવે ફરી કોલેરાના કેસોમાં ઉછાળો આવતાં કલોલની પ્રજા ફફડી ઉઠી છે.