KKRએ IPL 2025 પહેલા કેપ્ટનની જાહેરાત કરી:અજિંક્ય રહાણેને કમાન સોંપી; 23.75 કરોડમાં સામેલ વેંકટેશ અય્યર વાઇસ કેપ્ટન તરીકે જાહેર

કોલકાતા નાઈટ રાઈડર્સે (KKR) IPL 2025 પહેલા તેના નવા કેપ્ટનનું નામ જાહેર કર્યું છે. KKRએ અજિંક્ય રહાણેને કેપ્ટન બનાવવાનો નિર્ણય લીધો છે. તે જ સમયે, વેંકટેશ અયરને વાઇસ-કેપ્ટનની જવાબદારી મળી છે. તમને જણાવી દઈએ કે, KKRએ IPL 2025ના મેગા ઓક્શન દરમિયાન અજિંક્ય રહાણેને ખરીદ્યો હતો.

અજિંક્ય રહાણે અગાઉ રાજસ્થાનની કેપ્ટનશિપ પણ કરી ચૂક્યો છે અજિંક્ય રહાણે બીજી વખત આ KKR ટીમનો ભાગ બન્યો છે. આ પહેલા, તે 2022માં પણ આ KKRનો ભાગ હતો. જેમાં તેણે કુલ સાત મેચ રમી હતી. આ વખતે, મેગા ઓક્શનમાં, કોલકાતા નાઈટ રાઈડર્સે અજિંક્ય રહાણેને બેઝ પ્રાઇસ (1.5 કરોડ રૂપિયા) ટીમમાં સામેલ કર્યો હતો હતો. રહાણેએ અગાઉ રાજસ્થાન રોયલ્સની પણ કેપ્ટનશિપ કરી છે. તેને RRએ 2018માં કેપ્ટન બનાવ્યો હતો. જેમાં તે ટીમને પ્લેઑફમાં લઈ ગયો હતો. આ પછી 2019માં પણ તેણે ટીમનું નેતૃત્ય કર્યું હતું. પણ સ્ટીવ સ્મિથને અડધી સીઝનથી કમાન સોંપાઈ હતી.

ટીમના CEOએ વેંકી મૈસૂરે કહ્યું,

અમને ખુશી છે કે અમે અજિંક્ય રહાણે જેવા ખેલાડીને કેપ્ટન તરીકે નિયુક્ત કરી રહ્યા છીએ, જે પોતાની નેતૃત્વ ક્ષમતા અને અનુભવથી ટીમને મજબૂત બનાવશે. વેંકટેશ અય્યર પણ KKR માટે એક મહત્વપૂર્ણ ખેલાડી રહ્યો છે અને તેનામાં નેતૃત્વના ગુણો છે. અમને વિશ્વાસ છે કે તેઓ સાથે મળીને અમારી ટીમ માટે યોગ્ય દિશા નક્કી કરશે.

અજિંક્ય રહાણેની IPL કારકિર્દી

અજિંક્ય રહાણે IPLના સૌથી અનુભવી ખેલાડીઓમાંનો એક છે. તેણે ટુર્નામેન્ટમાં કુલ 185 મેચ રમી છે. જેમાં તેણે 30.14ની એવરેજથી 4,642 રન બનાવ્યા છે. IPLમાં તેણે 30 ફિફ્ટી અને 2 સેન્ચુરી પણ ફટકારી છે.