વડોદરમાં ગરીબો માટે બનાવાયેલા આવાસના મકાન ખંડેર બની ગયા છે. જાંબુવા બીએસયુપીના મકાન બાદ હવે કિશનવાડીના બીએસયુપીના ૨૮ ટાવરોને રહેવા લાયક ન હોવાથી પાલિકાએ નોટિસ ફટકારી છે. પાલિકાએ નોટિસ ફટકારી જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા છે. પાલિકાએ શહેરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોને નોટિસ ફટકારતા ધારાસભ્ય અને પૂર્વ મેયર સહિતના નેતાઓએ દરમિયાનગીરી કરતા તંત્રે પીછેહઠ કરવી પડી હતી. જોકે બીએસયુપીના આવાસો જે પાલિકાએ બનાવ્યા છે. તેની જવાબદારી લેવા કોઈ તૈયાર નથી. શહેરમાં જાંબુઆ બાદ હવે પાલિકાએ કિશનવાડીમાં આવેલા બીએસયુપીના ૯૪ ટાવર પૈકી ૨૮ને નોટિસ ફટકારી છે.
એક ટાવરમાં ૩૨ મકાનો છે એટલે ૮૯૬ મકાનો રહેવાલાયક નથી અને મકાનો ખાલી કરવા કહેવાયું છે. રહીશોએ એકત્ર થઈ નારાજગી ઠાલવી હતી. રહીશોએ જણાવ્યું હતું કે આવી નોટિસ લગાવીને પાલિકા અમને ડરાવી રહી છે. જેથી અમે ઘર ખાલી કરીને જતા રહીએ અને તેઓ જમીન હડપી લે.
પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો. વર્ષોથી પાલિકા કહે છે કે મકાનો જર્જરિત છે. તો એક પણ નેતા કે અધિકારીઓ અહીંયા જોવા નથી આવતા.બીજી તરફ પાલિકા દ્વારા નોટિસ ફટકારી કામગીરીમાં કોન્ટ્રાકટર અને ટીપીઆઇને નોટિસ ફટકારી પોતાની કામગીરી કર્યાનો સંતોષ વ્યક્ત કરી રહી છે.