કિશન ભરવાડ હત્યા કેસના આરોપીઓને કડક સજા અપાશે, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન

અમદાવાદ,

ગત વર્ષ ૨૦૨૨ના જાન્યુઆરી મહિનામાં ધંધૂકામાં રહેતા કિશન ભરવાડે સોશિયલ મીડિયા પર એક વીડિયોમાં ચોક્કસ ધર્મ વિરુદ્ધ કેટલીક ટિપ્પણીઓની એક પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટના પગલે બાઇક પર આવેલા બે શખ્સોએ પીઠ પર ગોળી મારીને તેમની હત્યા કરી દીધી હતી. આ મર્ડર કેસે મોટું સ્વરૂપ ધારણ કરી લેતાં તેની તપાસ ગુજરાત એટીએસ સુધી પહોંચી હતી. ગુજરાતના ધંધુકા ખાતે કિશન ભરવાડની હત્યાના ચકચારી કેસની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) પણ સામેલ થઈ હતી. ગત ૨૫ જાન્યુઆરીના રોજ અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે કિશન ભરવાડની હત્યા થઈ હતી.

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કિશન ભરવાડ કેસ બાબતે ખેડામાં નિવેદન આપતાં જણાવ્યું હતુ કે, કિશન ભરવાડ કેસના આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે ઉદાહરણરૂપ કડકમાં કડક સજા આપવામાં આવશે જેથી કરીને રાજ્યમાં આવા કેસ પર દાખલારુપ બની રહે. હર્ષ સંઘવીએ આ ઉપરાંત ઉમેર્યુ હતું કે રાજ્યમાં હજુ બેથી ચાર કેસમાં સજા માટે પોલીસ મક્કમ છે. રાજ્ય સરકાર કોઈ પણ ગુનાહિત પ્રવૃતિ કરનારને ચલાવી નહી લે.કાયદાકીય રીતે તેમની પર પગલાં ભરવામાં આવશે.

કિશન ભરવાડે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. તે કથિત વીડિયોમાં ચોક્કસ ધર્મ વિરુદ્ધ કેટલીક ટિપ્પણીઓ કરવામાં આવી હતી. આ અંગે કિશન વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ થઈ હતી. અને બાદમાં સમાધાન થતાં મામલો થાળે પડ્યો હતો. પરંતુ સંબંધીઓના કહેવા મુજબ કિશનને સતત ધમકીઓ આપવામાં આવી રહી હતી.એ પછી કિશન ભરવાડને બે બાઇક સવારોએ ગોળી મારી હત્યા કરી હતી. હત્યાની તપાસ દરમિયાન પોલીસે બંને યુવકો શબ્બીર ચોપરા અને ઈમ્તિયાઝ પઠાણની ધરપકડ કરી હતી. શબ્બીર અને ઈમ્તિયાઝ ધંધુકાના રહેવાસી છે. કિશન ભરવાડ હત્યા કેસમાં અત્યાર સુધીમાં ૭ ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી બે શાર્પ શૂટર્સ શબ્બીર ઉર્ફે શબા ચોપરા (૨૫) અને ઈમ્તિયાઝ પઠાણ (૨૭)ની ધંધુકામાંથી ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે મૌલવી અયુબ જવારાવાલાની ૨૭ જાન્યુઆરીએ અમદાવાદથી અને મૌલવી કમર ગની ઉસ્માનીની ૩૦ જાન્યુઆરીએ દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી.