કિંગમેકર બન્યા બાદ ચંદ્રબાબુ નાયડુ પરિવારની સંપત્તિમાં ૧૨૨૫ કરોડનો વધારો

છેલ્લા પાંચ વર્ષથી સત્તાથી દૂર રહેલા ચંદ્રા બાબુ નાયડુના નસીબે વળાંક લીધો છે. તેઓ માત્ર આંધ્ર પ્રદેશમાં સત્તામાં પાછા ફર્યા છે એટલું જ નહીં, પરંતુ ૨૦૨૪ની લોક્સભા ચૂંટણી પછી તેઓ કેન્દ્ર સરકાર માટે કિંગ મેકરની ભૂમિકામાં પણ આવી ગયા છે.

આ દરમિયાન એન ચંદ્રબાબુ નાયડુના પરિવારની સંપત્તિમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા ૧૨ ટ્રેડિંગ સેશનમાં આંધ્રપ્રદેશ સ્થિત હેરિટેજ ફૂડ્સના શેરમાં નોંધપાત્ર ૧૦૫%નો વધારો થયો છે. ઉછાળાને કારણે પરિવારની સંપત્તિમાં રૂ. ૧,૨૨૫ કરોડનો આશ્ર્ચર્યજનક વધારો થયો હતો.

સોમવારે હેરિટેજ ફૂડ્સનો શેર બીએસઈ પર રૂ. ૭૨૭.૯ની નવી ૫૨ સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. કંપનીના શેરમાં ૧૦%ની ઉપરની સકટ લાગી. બે સપ્તાહ પહેલા ૨૩ મેના રોજ કંપનીના શેર રૂ. ૩૫૪.૫ પર બંધ થયા હતા. કંપનીના શેરમાં ૩ જૂન (ચૂંટણીના પરિણામોના એક દિવસ પહેલા) થી ૧૦ જૂન સુધી મજબૂત વૃદ્ધિ જોવા મળી હતી. આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન-નિયુક્ત ચંદ્રાબાબુ નાયડુના પરિવારની કંપનીમાં કુલ ૩૫.૭૧ ટકા હિસ્સો છે. પરિવાર પાસે કંપનીના ૩,૩૧,૩૬,૦૦૫ શેર છે.