કિંગ ચાર્લ્સની એકમાત્ર બહેન હોસ્પિટલમાં દાખલ, ૭૩ વર્ષીય પ્રિન્સેસ એન ઘોડેસવારી દરમિયાન ઘાયલ

બ્રિટનની ૭૩ વર્ષીય પ્રિન્સેસ એનીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બ્રિટનના શાહી મહેલ બકિંગહામ પેલેસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રવિવારે ગેટકોમ્બે પાર્ક એસ્ટેટમાં ઘોડેસવારી દરમિયાન બનેલી એક ઘટનામાં પ્રિન્સેસ એનીને માથામાં સામાન્ય ઈજા થઈ હતી.

બ્રિટનના રાજા ચાર્લ્સની ૭૩ વર્ષીય બહેન એનને સાવચેતી તરીકે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને તે સંપૂર્ણ સ્વસ્થ થવાની અપેક્ષા છે. બકિંગહામ પેલેસે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કિંગ ચાર્લ્સને આ બાબતની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી અને તેમણે સમગ્ર શાહી પરિવાર સાથે રાજકુમારીના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી.

ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, રાજા ચાર્લ્સ ત્રીજાની એકમાત્ર બહેન પ્રિન્સેસ એનીને ઘોડેસવારી વખતે માથામાં સામાન્ય ઈજા થઈ હતી. તેમને બ્રિસ્ટોલની સાઉથમીડ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. અધિકારીઓએ કિંગ ચાર્લ્સને અકસ્માતની જાણકારી આપી છે.