તાજેતરમાં કિર્ગિસ્તાનની રાજધાની બિશેકમાં ગત 13 મેના રોજ ઇજિપ્શિયન અને અરેબિયન વચ્ચે થયેલા ઝઘડાને કારણે હિંસા ફાટી નીકળી છે. કિર્ગિસ્તાનીઓ દ્વારા ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ બિશેકમાં આવેલા ભારતીય દૂતાવાસે સ્ટેટમેન્ટ રિલીઝ કરતા કહ્યું કે, છેલ્લા ઘણા દિવસથી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો છે. હાલ વિવિધ શહેરમાં 17000 ભારતીય વિદ્યાર્થીઓ છે. જેમાંના મોટા ભાગના વિદ્યાર્થીઓ બિશેકમાં રહે છે. આ હિંસાની અસર કિર્ગિસ્તાનમાં અભ્યાસ કરતા કેટલાક ગુજરાતી વિદ્યાર્થીઓને પણ થઈ રહી છે.
કિર્ગિસ્તાનના બિશેકમાં એક સપ્તાહ પહેલાં ચોરી જેવી નજીવી ઘટના બની હતી. જેમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. ત્યારબાદ મારામારીનો તે વીડિયો સ્થાનિક સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે, વિદેશથી આવેલા લોકો આપણા દેશમાં આવીને લોકોને મારી રહ્યા છે, જેને કારણે આ તોફાન વધુ ઉગ્ર બની ગયું હતું. વિદ્યાર્થીઓના કહેવા મુજબ, સ્થાનિક વિદ્યાર્થીઓને શા માટે મારવામાં આવ્યા છે, આ મુદ્દાને ખૂબ ચગાવવામાં આવ્યો અને ત્યારબાદ ચારે તરફ મારામારી અને તોફાન સર્જાવાનું શરૂ થઈ ગયું હતું. ખાસ કરીને અરેબિયન, ઇજિપ્તિયન, ઇન્ડિયન અને પાકિસ્તાની વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. સ્થિતિ વધુ વણસી રહી છે. દિવસે ને દિવસે આ તોફાન વધુ ઉગ્ર બની રહ્યું છે.
કિર્ગિસ્તાનના જે વીડિયો સામે આવ્યા છે તે ખરેખર ખૂબ જ ચિંતાજનક સ્થિતિ દર્શાવી રહ્યા છે. યુવકોને સ્થાનિક યુવકો દ્વારા જે રીતે માર મારવામાં આવી રહ્યા છે, તે જોઈને ભલભલા થરથરી ઊઠે છે. વિદ્યાર્થિનીઓ ડરના માહોલમાં છે. રસ્તા ઉપર જ્યાં પણ અન્ય દેશના વિદ્યાર્થીઓ દેખાય તેમને લોહી-લુહાણ કરી દેવાય તે પ્રકારનો ટોળા દ્વારા માર મારવામાં આવી રહ્યો છે. કેટલાય વિદ્યાર્થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા છે. રસ્તા ઉપર જ તેમને માર મારવામાં આવી રહ્યા છે અને વિદ્યાર્થીઓ રસ્તા ઉપર લોહી-લુહાણ હાલતમાં પડેલા જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં, પરંતુ વિદ્યાર્થિનીઓની હોસ્ટેલમાં પણ ફુંડ આપવાના બહાને રૂમમાં પણ જબરદસ્તી સ્થાનિક યુવકો ઘૂસી રહ્યા છે અને તોડફોડ કરી રહ્યા છે. જે રૂમની અંદર વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓ રહ્યાં છે, તેમને માર મારવાનાં દૃશ્યો પણ સ્પષ્ટ દેખાઈ રહ્યાં છે.
અત્યારે સુરતના કુલ 500થી વધુ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી રહ્યા છે અને તેઓ તમામ અહીં ફસાયા છે. 1500થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અહીં ફસાયા છે. તેમને લઈ જવા માટેની કોઈ વ્યવસ્થા થઈ રહી નથી. અલગ-અલગ કોલેજોમાં અને હોસ્ટેલોમાં વિદ્યાર્થીઓ રહી રહ્યા છે. અમારા કેટલાક જે સંપર્કમાં છે, તેઓ એકસાથે અલમાટીથી નીકળવાનો પ્રયાસ કરવાનો વિચારી રહ્યા છે, પરંતુ ડરે લાગી રહ્યો છે કે એકસાથે અમે કેવી રીતે અને ક્યાંથી જઈએ. કારણ કે, તોફાન કરનારાં અસામાજિક તત્ત્વો સતત હુમલો કરી રહ્યા છે અને ખૂબ જ ગંભીર રીતે ઇજા પહોંચાડી રહ્યા છે. હાલમાં પણ ચારેય તરફથી તોફાનનાં દૃશ્યો જ સામે આવી રહ્યાં છે.
‘દૂતાવાસમાં સંપર્ક કરવામાં આવ્યો, પરંતુ હજી કંઈ કામ થયું નથી’ : અમે સતત અહીંની જે પરિસ્થિતિ છે તે અંગે આપણી સરકારને ટ્વીટ કરી રહ્યા છે. ભારતીય સરકાર અને દૂતાવાસને અમે ટ્વીટના માધ્યમથી માહિતી આપી રહ્યા છે, પરંતુ અત્યાર સુધી કોઈ પણ રિપ્લાય આપવામાં આવ્યો નથી. આપણા વિદેશ મંત્રી જયશંકર દ્વારા કહેવામાં આવ્યું છે કે, સ્થિતિ હવે થાળે પડી રહી છે, પરંતુ એ વાતમાં કોઈ તથ્ય નથી. અમે પોતે અહીં રહી રહ્યા છીએ. અહીંની સ્થિતિ વિશે અમે સારી રીતે જાણીએ છીએ. હું મારા રૂમની નીચે હજી પણ જઈ શકતી નથી. તેના પરથી તમે સમજી શકો છો કે સ્થિતિ કેવી છે. બહાર નીકળવું એટલા માટે મુશ્કેલ છે કે હજી પણ તોફાનો થઈ રહ્યાં છે. સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઇરલ થઇ રહ્યા છે, તેના પરથી અત્યારની સ્થિતિનો તાગ મેળવી શકાય છે.