ખ્યાતનામ રેસલર સાક્ષી મલિકે તોડ્યો કુશ્તી સાથેનો નાતો, રિટાયરમેન્ટનું એલાન કર્યું

નવીદિલ્હી, દેશની ખ્યાતનામ રેસલર (કુશ્તીબાજ) સાક્ષી મલિકે કુશ્તી સાથેનો નાતો તોડવાનો નિર્ણય લીધો છે. બ્રજભૂષણના સાથી સંજયસિંહ કુશ્તી સંઘના પ્રેસિડન્ટ બનતાં સાક્ષી મલિકે કુશ્તીમાંથી બહાર નીકળી જવાનું પસંદ કર્યું છે. સાક્ષી મલિકના નિર્ણયથી કુશ્તી ક્ષેત્રમાં ભારતને મોટો ફટકો પડે તે નક્કી છે કારણ કે સાક્ષી કુશ્તી જગતનું એક મોટો ચહેરો છે, તે જ્યારે અખાડામાં ઊભી હોય ત્યારે સામેના રેસલરને પરસેવો પડી જતો હોય છે અને હંમેશા જીત તેની જ હોય છે.

રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાની ચૂંટણી પૂર્ણ થયા બાદ સાક્ષી મલિકે કહ્યું કે હું કુસ્તીમાંથી નિવૃત્તિ લઈ રહી છું. તેણે કહ્યું કે બ્રજભૂષણ જેવો જ પ્રેસિડન્ટની ચૂંટણી જીતી ગયો છે. બજરંગ પુનિયાએ કહ્યું કે ખેલ મંત્રીએ ઓન રેકોર્ડ કહ્યું હતું કે બ્રજભૂષણ સાથે જોડાયેલ કોઈ પણ વ્યક્તિ ફેડરેશનમાં નહીં આવે, પરંતુ મને નથી લાગતું કે દીકરીઓને ન્યાય મળશે. આજની ચૂંટણીમાં બ્રજભૂષણના માણસની જીત થઈ છે. પુનિયાએ કહ્યું કે મને ન્યાયતંત્રમાં વિશ્વાસ છે કે તેઓ ન્યાય કરશે. એવું પણ લાગે છે કે પેઢીઓ ન્યાય માટે લડત ચાલુ રાખશે. સરકારે જે વચન આપ્યું હતું તે પૂરું કરવામાં સરકાર નિષ્ફળ ગઈ છે.

સાક્ષી મલિકે કુસ્તીમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ વિનેશ ફોગટ ભાવુક બની ગઈ હતી. વિનેશે કહ્યું કે તે ખરેખર દુ:ખદ છે કે અમે લડવાનો પ્રયાસ કર્યો પણ જીતી શક્યા નહીં. મને ન્યાય કેવી રીતે મળે તે સમજાતું નથી, અમે ન્યાય માટે બોલનારા દરેક વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો. કુસ્તીનું ભવિષ્ય અંધકારમય છે.

સાક્ષીનું કહેવું છે કે બ્રજભૂષણ જેવો ચૂંટણી જીતી ગયો છે એટલે હવે કુશ્તીમાં રમવાનો કોઈ અર્થ નથી. ઉલ્લેખનીય છે સાક્ષી મલિક સહિતની બીજી ઘણી મહિલા રેસલર્સે કુશ્તી સંઘના જુના અધ્યક્ષ બ્રજભૂષણ સામે યૌન શૌષણનો આરોપ લગાવ્યો હતો અને તેથી તેમણે કુશ્તી સંઘના પ્રેસિડન્ટ તરીકે રાજીનામું આપવું પડ્યું હતું અને આજે બ્રજભૂષણના સાથી સંજય સિંહ કુશ્તી સંઘના નવા પ્રેસિડન્ટ બન્યાં છે જે પછી સાક્ષી મલિકે કુશ્તીમાંથી નિવૃતીનું એલાન કર્યું હતું. સાક્ષીએ કહ્યું કે નવા અધ્યક્ષના વિરોધમાં તે કુશ્તી છોડી રહી છે.