અમદાવાદના ચકચારી ખ્યાતિકાંડની તપાસ કરી રહેલી અમદાવાદ ક્રાઈમ બ્રાંચને મહત્વની સફળતા હાથ લાગી છે. સાત આરોપીઓ સામે ગુનો નોંધાયા બાદ ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરાઈ હતી. પરંતુ, અન્ય છ આરોપીઓ ભૂગર્ભ હતા. જે પૈકીના ચિરાગ રાજપૂત, રાહુલ જૈન અને મિલિંદ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે. ચિરાગ રાજપૂતની ખેડાથી જ્યારે મિલિંદ અને રાહુલની ઉદયપુરથી ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ ત્રણ આરોપીઓની સાથે રહેલા અન્ય બે શકમંદોની પણ અટાકયત કરી પૂછપરછ હાથ ધરી છે.
ખ્યાતિકાંડ મામલે અત્યાર સુધીમાં કુલ ચાર આરોપીઓ ઝડપાયા છે. જ્યારે હજી પણ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ, રાજશ્રી કોઠારી અને ડો. સંજય પટોળિયા ફરાર હોય તેઓની શોધખોળ ચાલી રહી છે. વી છે.
ચિરાગ ખેડાથી જ્યારે અન્ય બે ઉદયપુરથી ઝડપાયા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ઘણા સમયથી ખ્યાતિકાંડના આરોપીઓની ધરપકડ કરવા માટે પ્રયાસ કરી રહી હતી. તે સમયે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મહત્ત્વની માહિતી મળી હતી અને તમામ લોકો પોતાનો મોબાઈલ ફોન બંધ કરીને નવા મોબાઈલથી સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં હતા તે સમયે ચિરાગની ખેડાથી જ્યારે રાહુલ જૈન અને મિલિંદની ધરપકડ ઉદયપુરથી કરી હોવાની વિગતો જાણવા મળી રહી છે.
ચિરાગ રાજપૂતનું લોકેશન રાજસ્થાનમાં, ઝડપાયો ખેડા પાસેથી મળતી માહિતી મુજબ ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂતના મોબાઈલનું છેલ્લું લોકેશન પોલીસે મેળવતા તે રાજસ્થાનમાં બતાવતું હતું. પરંતુ, ચિરાગ રાજપૂત અમદાવાદથી 60 કિમીના અંતરે ખેડા પાસે આવેલા એક ફાર્મહાઉસમાંથી ઝડપાયો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ગેરમાર્ગે દોરાય તે માટે આરોપીઓએ પ્રયાસો કર્યા હતા પરંતુ, તેમાં તેઓ નિષ્ફળ રહ્યા હતા.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ત્રણેયની પૂછપરછ હાથ ધરી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ના અધિકારીના જણાવ્યા અનુસાર ત્રણેય આરોપીઓને હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ લઈ આવવામાં આવ્યા છે અને તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે તેઓ કઈ રીતે ભાગ્યા હતા અને તેમણે કોણે મદદ કરી હતી તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે.
જૂના ફોન બંધ કરી નવા મોબાઈલથી એકબીજાના સંપર્કમાં હતા મળતી માહિતી મુજબ ખ્યાતિકાંડના ફરાર આરોપીઓ સુધી પોલીસ પહોંચી ન શકે તે માટે તેઓના મોબાઈલ ફોન બંધ કરી દીધા હતા. ત્યારબાદ નવા મોબાઈલમાં સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાના સંપર્કમાં હોવાનુ સામે આવ્યું છે.
સાતમાંથી ચાર ઝડપાયા, ત્રણ હજી પણ ફરાર ખ્યાતિકાંડ મામલે શરૂઆતમાં પાંચ અને ત્યારબાદ બે મળી કુલ સાત લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. શરૂઆતમાં ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારબાદ અન્ય છ આરોપી ફરાર હોઇ તેઓની શોધખોળ ચાલી રહી હતી. તેમાં હવે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ત્યારે હજી પણ આ મામલામાં હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ, રાજશ્રી કોઠારી અને ડો. સંજય પટોળિયા હજી પણ ફરાર હોઇ તેઓની શોધખોળ યથાવત્ રાખવામાં રાખવામાં આવી છે.