ખુદ દારૂબંધીની ગુલબાંગો પોકારતાં તંત્રની અદેખાઈ : દાહોદની મામલતદાર કચેરી વિસ્તારમાં દારૂની ખાલી બોટલો જોવા મળી

દાહોદ,દાહોદ શહેરમાં આવેલ મામલતદાર કચેરી વિસ્તારમાં ખાલી દારૂની બોટલોનો જમાવડો જોવાતાં ખુદ સરકારી કચેરીઓમાં દારૂબંધીના ધજાગરા ઉડતાં જોવા મળી રહ્યાં છે. આ કચેરીના વિસ્તારમાં દારૂની બોટલો જોવા મળતાં કચેરીએ કામકાજ અર્થે આવતાં લોકોમાં અનેક સવાલોએ જન્મ લીધો છે.

દાહોદની મામલતદાર કચેરીમાં આવેલ ઈ-ધારા કચેરીની પાછળ ખાલી દારૂની બોટલો જોવા મળી રહી છે. આ દારૂની મીજબાની કોણ માણતું હશે ? તે એક સવાલ ઉભો થવા પામ્યો છે. ખુદ દારૂ બંધીના નારા લગાવતું સરકાર તંત્ર જાણે ઘોર નિંદ્રામાં જોવાઈ રહ્યું છે. ખુદ આ સરકારી કચેરીમાં દારૂની ખાલી બોટલો નજરે પડતાં કચેરી ખાતે કામકાજ માટે આવતાં લોકોમાં પણ અનેક સવાલો ઉભા થવા પામ્યાં છે. સરકારી તંત્ર એક તરફ દારૂ બંધીની ગુલબાંગો પોકારી રહી છે. ત્યારે બીજી તરફ ખુદ સરકારી કચેરીઓમાંજ દારૂની રેલમછેલ વચ્ચે મીજબાની પણ માણવામાં આવતી હોવાની બુમોને પગલે આ તંત્ર માટે એક તપાસનો વિષય બની રહેશે. દાહોદમાં આમેય વિદેશી દારૂની હાટડીઓ ઠેક ઠેકાણે બેરોકટોક ચાલી રહી છે અને તેમાંય તંત્રની નજર રહેમ હેઠળ આવા વિદેશી દારૂનો વેપલો કરતાં તત્વો પર પોલીસ લગામ કસશે તે પણ જરૂરી છે. પરંતુ અહીં સવાલ એ છે કે, સરકારી કચેરીઓ જેવા વિસ્તારોમાં જો દારૂની ખાલી બોટલો જોવા મળતી હોય તો તંત્રની દારૂબંધીની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠવા પામ્યાં છે.