ખૂબસુરત એક્ટ્રેસે અક્ષય કુમારના નામે ૬ કરોડની છેતરપિંડી આચરી

૭૦ના દાયકાની ખૂબસુરત એક્ટ્રેસ ઝીનત અમાન ૭૨ વર્ષની ઉંમરે ફરી એકવાર એક્ટિંગની દુનિયામાં વાપસી કરવા જઈ રહ્યા છે. તે વેબ સીરિઝ શો સ્ટોપરથી ઓન્સ્ક્રીન કમબેક કરશે. જો કે, આ સીરિઝ રિલીઝ પહેલા જ વિવાદમાં ફસાઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ શોમાં કામ કરી રહેલી ટીવીની ફેમસ એક્ટ્રેસ દિગાંગના સૂર્યવંશી પર વેબ સીરિઝના ડિરેક્ટર મનીષ હરિશંકરે કેસ દાખલ કર્યો છે. તેના પર વિશ્ર્વાસઘાતનો આરોપ લાગ્યો છે.

રિપોર્ટ્સ પ્રમાણે મનીષે દિગાંગના સામે આઇપીસીની કલમ ૪૨૦ અને કલમ ૪૦૬ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેના પર છેતરપિંડી અને ગુનાહિત વિશ્ર્વાસભંગનો આરોપ લગાવ્યો છે. ફરિયાદ અનુસાર, એક્ટ્રેસે ખોટો દાવો કર્યો છે કે, અક્ષય કુમાર અને તેની કંપની શૉ સ્ટૉપરના પ્રેઝેન્ટર હશે.

તેણે અક્ષય કુમારના નામે ૬ કરોડ રૂપિયાની માંગણી પણ કરી હતી. આ સિવાય એમએચ ફિલ્મ્સે એક્ટર રાકેશ બેદી અને દિગંગાના ફેશન ડિઝાઈનર કૃષ્ણા પરમારને માનહાનિની નોટિસ મોકલી છે. કારણ કે તેણે મીડિયામાં શૉ વિશે ખોટું નિવેદન આપ્યું છે અને પ્રોજેક્ટની રેપ્યુટેશનને નુક્સાન પહોંચાડ્યું છે.

પોલીસ ફરિયાદ અનુસાર, મનીષ હરિશંકરે કહ્યું કે, દિગાંગનાએ પહેલા એક એમઓયુ કરવા માટે કહ્યું હતું, જેમાં લખ્યું હતું કે, ‘અક્ષય કુમાર સાથે વાતચીત કરવા અને તેમને શો પ્રેઝેન્ટર તરીકે સામેલ કરવા માટે પરમિશન આપો.’ આ ડીલ દરમિયાન એક્ટ્રેસ પોતાના માટે ૭૫ લાખ અને અક્ષય કુમારના નામે ૬ કરોડ રૂપિયા માંગ્યા હતા.

જો કે, ૨૦૨૨માં એવી જાહેરાત કરાઈ હતી કે, દિગ્ગજ એક્ટ્રેસ ઝીનત અમાન મનીષ હરિશંકર દ્વારા દિગ્દશત અને એમએચ ફિલ્મ્સ દ્વારા સમથત વેબ સિરીઝ શો સ્ટોપર સાથે તેના ઓટીટી ડેબ્યૂ કરશે. જો કે, છેલ્લા બે વર્ષથી શોના રિલીઝને લઈને કોઈ અપડેટ નથી.

આ શો ‘શો સ્ટોપર’ વિશે વાત કરીએ તો, આ સિરીઝ બ્રા ફિટિંગના મુદ્દા પર આધારિત છે. વિશ્ર્વની લગભગ ૮૦ ટકા મહિલાઓ આખી લાઈફમાં ખોટી સાઇઝની બ્રા પહેરે છે, જેના કારણે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે. આ સમસ્યાને એક લવ સ્ટોરી થકી સ્ક્રીન પર જોવા મળશે. જેમાં અમન અને કિરણ કુમારની સાથે ઝરીના વહાબ, શ્ર્વેતા તિવારી અને સૌરભ રાજ જૈન મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ઝીનત અમાન અને દિગાંગના સૂર્યવંશી પણ લીડ રોલમાં જોવા મળશે. જોકે, અત્યાર સુધી તે વિવાદોના કારણે ફસાયેલી છે.