ખોટી અફવાના સમાચારથી વિદ્યાર્થીઓ કોચિંગ ખર્ચ ન કરે : હસમુખ પટેલ

ગાંધીનગર, રાજ્યમાં થોડા દિવસોથી સરકારી ભરતીઓની અફવાઓએ જોર પકડ્યુ છે. જેના કારણે યુવાનો સરકારી પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થવા માટે કોચિંગ ક્લાસના મસમોટા ખર્ચા કરી રહ્યા હોવાનું સામે આવ્યુ છે. ત્યારે જીપીએસએસબીના ચેરમેન હસમુખ પટેલે આજે સવારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં મહત્ત્વની વાત કરી છે. તેમણે જણાવ્યુ છે કે, ’ખોટી અફવાના સમાચારથી વિદ્યાર્થીઓ કોચિંગ ખર્ચ ન કરે. પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે એનસીઆરટી અને જીસીઆરટીના પુસ્તક વાંચવા જોઇએ.’

આજે સવારે હસમુખ પટેલે મહત્ત્વની વાત કરતા જણાવ્યુ હતુ કે, ’આ કે તે ભરતી આવવાની છે તેવી અફવાઓના આધારે વિદ્યાર્થીઓ કોચિંગના ખર્ચા ન કરે, અધિકૃત જાહેરાતની રાહ જુએ. આમ પણ ભરતીઓમાં જાત મહેનત કરનાર વિદ્યાર્થીઓ જ વધુ સફળ થતાં હોય છે. પૂર્વ તૈયારી રૂપે એનસીઆરટી જીસીઆરટીના પુસ્તકો વાંચતા રહે.’

નોંધનીય છે કે, ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં આચાર્ય અને શિક્ષકની કુલ ૨૮,૨૧૨ જગ્યા ખાલી છે. રાજ્યની ૧,૦૨૮ પ્રાથમિક શાળા, ૭૮૬ સરકારી હાઈસ્કૂલ અને ૧,૭૭૫ ગ્રાન્ટેડ હાઈસ્કૂલ આચાર્ય વિનાની છે. આ ઉપરાંત રાજ્યની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકની ૧૬,૩૧૮ અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં ૭૭૪ જગ્યા ખાલી પડી હોવાનું વિધાનસભાના સત્ર દરમિયાન કોંગ્રેસના સવાલનો જવાબ આપતાં રાજ્ય સરકારના મંત્રીએ લેખિતમાં જણાવ્યું હતું.

હવે થોડા દિવસ પહેલા રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફૂલ્લ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં આગામી સમયમાં રાજ્યમાં ૨૫૦૦૦ શિક્ષકોની ભરતી કરવામાં આવશે એવું તેમણે જણાવ્યું છે.રાજ્ય શિક્ષણમંત્રીએ એવું પણ કહ્યું હતું કે, સરકારી શાળાઓમાં નવા ૧૬ હજાર ઓરડા બનાવાશે. એક પણ સરકારી શાળા ઓછા વિદ્યાર્થીઓ હશે તો પણ બંધ નહીં થાય. તેમણે એવું પણ કહ્યું હતું કે, બીજા ગામમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ માટે સરકારી ગાડીની વ્યવસ્થા કરવાની સરકાર વિચારણા કરી રહી છે.