રાજકોટ : ખોડલધામના ચેરમેન નરેશ પટેલની કંપનીને 40 કરોડના નુકસાનની ફરિયાદ નોંધાઈ છે. બે પૂર્વ કર્મીઓની છેતરપિંડી અને વિશ્વાસઘાતથી નરેશ પટેલની કંપનીને નુકશાન થયું છે. નરેશ પટેલની મેટોડામાં પી બી ડબલ્યુ બેરિંગ્સ કંપની આવેલી છે. બેરિંગના સ્પેરપાર્ટ્સની ડીઝાઈનમાં લોગો બદલાવી અન્ય લોકોને વેંચી કંપનીને કરોડોનું નુકશાન પહોંચાડ્યું છે. નરેશ પટેલની કંપનીના અમેરિકાના ગ્રાહકોને જ આ ડિઝાઇન વેચવામાં આવતી હતી. લોધિકા પોલીસ સ્ટેશનમાં ચિંતન અને ભાવેશ નામના બે ઇસમો સામે ફરિયાદ નોંધી હતી. પોલીસે છેતરપિંડી અને કોપિરાઇટ એક્ટ મુજબ ફરિયાદ નોંધી હતી.
તાજેતરમાં ખોડલધામના ચેરમેન અને લેઉવા પટેલ સમાજના આગેવાન નરેશ પટેલ રાજકીય નહીં પણ અન્ય મુદ્દે ચર્ચામાં આવ્યા હતા. લેઉવા પાટીદાર સમાજ દ્વારા તાજેતરમાં નરેશ પટેલને સમાજના પિતા જાહેર કરતા સમાજમાં જ વિરોધનો સૂર ઉઠ્યો હતો. સમાજના લલીતભાઈ નામના એક વ્યક્તિએ જાહેર અખબારમાં ટચૂકડી જાહેરાત છપાવીને જણાવ્યું કે, પોતાને આ નિર્ણયથી બાકાત રાખવામાં આવે. આ જાહેરાતમાં લખ્યું છે કે, હાલમાં સમાજે નરેશભાઈ પટેલને સમાજ પિતા જાહેર કરેલ છે. આ નિર્ણયમાં વ્યક્તિગત રીતે અમે અસહમત છીએ. અમારે અમારા પિતાશ્રી હતા જ, જે સ્વર્ગસ્થ થયેલ છે. કદાચ નરેશભાઈ તેમનાથી પરિચીત હશે જ, તો અમોને એવું લાગે છે કે, અમારે અન્ય કોઈ પિતાજીની જરૂર નથી. આથી સમાજને નમ્ર વિનંતી છે કે, આ નિર્ણયમાં અમોને બાકાત રાખે. શ્રી નરેશભાઈ પટેલ સામાજીક તેમજ રાજકીય રીત ખુબજ પ્રગતિ કરે અને ગુજરાતના મુખ્યમંત્રી બને તેવી અમારી દિલથી શુભકામના છે. લી. લલીતભાઈ પોપટભાઈ સોરઠીયા
ઉલ્લેખનીય છે કે, ગત વિધાનસભાની ચૂંટણીમાં ખોડલધામના પ્રમુખ નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે વિવિધ અટકળો ચાલી હતી. ત્યારે નરેશ પટેલે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પોતે હાલ પૂરતું રાજકારણમાં જોડાવવાનો નિર્ણય મોકૂફ રાખ્યો હોવાની જાહેરાત કરી હતી.
નરેશ પટેલે પ્રેમ લગ્ન કર્યા છે. નરેશ પટેલે ભલે પ્રેમ લગ્ન કર્યા હોય પણ પહેલ તો પત્નીને જ કરવી પડી હતી. કોલેજમાં પાછળ પાછળ ફરતા પણ પ્રપોઝ કરી શક્યા ન હતા. અંતે પત્નીએ પહેલ કરી. નરેશ પટેલને આજે કોઈને ઓળખની જરૂર નથી.પટેલ બ્રાસ વર્કસ જેવી દેશની માતબર કંપનીના ડિરેક્ટર છે. આ સાથે જ લેઉવા પટેલ સમાજના પ્રણેતા પણ છે.