
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા પેથાપુરમાં કપાસના ખેતરની અંદર વિદેશી દારૃનો વેપલો ચાલતો હોવાની બાતમીના પગલે પોલીસે દરોડો પાડયો હતો. જોકે પોલીસને જોઈ બુટલેગર નાસી છૂટયો હતો અને અહીંથી દારૃ બિયરનો જથ્થો મળી ૯૬ હજારનો મુદ્દામલ કબજે કરીને ફરાર થઈ ગયેલા બુટલેગર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ગાંધીનગર જિલ્લામાં હાલ વિદેશી દારૃની આવી હાટડીઓ ઉપર દરોડા પાડવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા તાકિદ કરવામાં આવી છે ત્યારે પેથાપુર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, પેથાપુર મહુડી હાઇવે ઉપર સુરેલા વિસ્તારમાં કપાસના ખેતરમાં વિદેશી દારૃનો જથ્થો સંતાડીને નામચીન બુટલેગર નટવરસિંહ રતનસિંહ વાઘેલા વિદેશી દારૃનો વેપલો કરી રહ્યો છે. જે બાતમીના પગલે પોલીસે આ ખેતરમાં પ્રવેશ કર્યો હતો અને બુટલેગર નટવરસિંહ તેના મોપેડ પાસે ઉભો હતો. જેથી પોલીસને જોઈ ભાગવા લાગતા પોલીસે નટવરસિંહ.. નટવરસિંહ કરીને બૂમો મારી હતી પરંતુ તે ઉભો રહ્યો ન હતો. જેથી પોલીસે આ સ્થળેથી તેમજ આજુબાજુના વિસ્તારમાં સંતાડવામાં આવેલી દારૃ અને બિયરને પેટીઓ તેમજ મોપેડ મળી ૯૬ હજાર રૃપિયાના મુદ્દામાલ કબજે કરી લીધો હતો અને આ સંદર્ભે ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા બુટલેગરની શોધખોળ શરૃ કરી હતી.