ખેતરમાંથી માટીનું ડમ્પર ભરી રહ્યા હતા માફિયા, ખેડૂતે કર્યો વિરોધ તો હેવાનોએ જેસીબી ફેરવીને હત્યા કરી

અમદાવાદમાં વધુ એક હત્યાની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. વાત જાણે એમ છે કે, અમદાવાદ ગ્રામ્યના કણભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કુહામાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. કુહામાં આવેલી ગૌચર જમીન પર કોઈ વ્યક્તિઓ દ્વારા ગેરકાયદેસર માટી ખનન કરવામાં આવતુ હોવાની જાણ થતાં ગ્રામજનો ત્યાં પહોંચ્યા હતા. જ્યાં ગ્રામજનોએ વિરોધ કરતાં JCB ચાલકે 52 વર્ષીય આધેડ પર JCB ચઢાવી દેતા તેઓનું મોત થયું હતું. ઘટનાને લઈ હવે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે, હજી બે દિવસ પહેલા જ અમદાવાદના CPએ નિવેદન આપ્યું હતું કે, 2-5 ટકા ગુના વધે કે ઘટે તેનાથી કોઇ ફેર પડતો નથી. 

અમદાવાદ ગ્રામ્યના કણભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કુહામાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિગતો મુજબ કુહામાં આવેલ ગૌચરની જમીન પર કોઈ વ્યક્તિઓ દ્વારા ગેરકાયદેસર રીતે માટી ખનન કામ કરવામાં આવતું હતું. જેને લઈ કાંતીજી બારૈયા (ઠાકોર) નામનાં 52 વર્ષીય આધેડ સહિત ગ્રામજનો સ્થળ પર પહોંચ્યા હતા. જે બાદમાં કાંતીજી બારૈયા સહિત ગ્રામજનોએ આ મામલે વિરોધ નોંધાવતા ચોંકાવનારી ઘટના બની હતી. 

કુહામાં આવેલ ગૌચરની જમીન પર ગેરકાયદેસર રીતે માટી ખનનનો વિરોધ દર્શાવ્યા બાદ JCB ચાલક રોષે ભરાયો હતો. જે બાદમાં તેને કાંતીજી બારૈયા (ઠાકોર) નામનાં 52 વર્ષીય આધેડ ઉપર JCB ચઢાવી દેતાં તેમનું મોત થયું છે. આ તરફ ઘટનાને લઈ મૃતકના પરિજનો સહિત ગામમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. 

આ તરફ હત્યાને અંજામ આપ્યા બાદ JCB ચાલક અને જમીન માફિયાઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ તરફ ગ્રામજનોએ પોલીસને જાણ કરતાં કણભા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. આ સાથે હવે પોલીસે જમીન માફિયાઓ ડમ્પર મુકીને ફરાર થઈ ગયા હોવાથી પોલીસે ડમ્પરો કબ્જે લીધા હતા અને તેઓના માલિક અને આરોપીઓ અંગે તપાસ શરૂ કરી છે.

અમદાવાદમાં ગુનાખોરી મુદ્દે પોલીસ કમિશ્નર જી એસ મલિકે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું કે, ગુનાઓ બે-પાંચ ટકા વધે કે ઘટે તેનાથી કોઈ ફરક નથી પડવાનો, ગભરાવાની જરૂર નથી, શહેરમાં ગુનાખોરી કાબુમાં છે. ગુનો નોંધાય છે તે મહત્વની વાત છે. સતત બની રહેલી ગુનાખોરીની ઘટનાને લઇને અમદાવાદ પોલીસ કમિશ્નરે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, માધ્યમોમાં બતાવવામાં આવે છે કે, અમદાવાદ ક્રાઇમ કેપિટલ બની રહ્યું છે પરંતું ગુનાખોરીની માત્રા વધતી ઘટતી રહે તેના માટે પેનિક થવાની જરૂર નથી.