ખેડૂતો ઉગ્ર બન્યા: હરિયાણાના સીએમ અને ગૃહમંત્રી સામે ’હત્યા’નો ગુનો નોંધવા માંગ

ખેડૂત આંદોલનમાં થયેલી હિંસામાં એક ખેડૂતના મોત બાદ આંદોલનકારી ખેડૂતો વધુ ઉગ્ર બન્યા છે. સંયુક્ત કિસાન મોરચાએ પંજાબ-હરિયાણા સરહદે પ્રદર્શન દરમિયાન ખેડૂતનાં અવસાન બદલ હરિયાણાના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સામે ‘હત્યા’નો કેસ દાખલ કરવાની માગણી કરી છે. તેણે આગામી અઠવાડિયે ટ્રેક્ટર માર્ચની જાહેરાત કરી છે. ખેડૂતના મોત પર શોક વ્યક્ત કરવા શુક્રવારે ‘બ્લેડ ડે’ પાળવાનું એલાન આપ્યું છે. તેઓ આ દિવસે અનેક મંત્રીઓ પૂતળા પણ બાળશે. આ ઉપરાંત ખેડૂતો 26 ફેબ્રુઆરીએ ધોરીમાર્ગો પર ટ્રેક્ટર માર્ચ યોજશે અને 14 માર્ચે દિલ્હીમાં રામલીલા મેદાન ખાતે ઓલ ઇન્ડિયા ઓલ કિસાન મઝદૂર મહાપંચાયતનું આયોજન કરશે. 

સંયુક્ત કિસાન મોરચો દિલ્હી ચલો આંદોલનનો ભાગ નથી. પરંતુ તેણે આંદોલનને સમર્થન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે હરિયાણા પોલીસ અને પંજાબના ખેડૂતો વચ્ચેના ઘર્ષણને કારણે ભટિંડાના એક ખેડૂતનું મોત થયું હતું. સંયુક્ત કિસાન મોરચાએ શંભુ અને ખનૌરી સરહદની સ્થિતિની ચર્ચા કરવા માટે મીટિંગ યોજી હતી. મોરચાના નેતા બલબીર સિંહ રાજેવાલે જણાવ્યું હતું કે હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર અને રાજ્યના ગૃહમંત્રી અનિલ વિજ સામે ‘હત્યા’નો કેસ નોંધવો જોઇએ અને તેમણે રાજીનામા આપી દેવા જોઇએ. આ ઉપરાંત ખેડૂતોએ સુપ્રીમ કોર્ટનાં જજ દ્વારા જ્યુડિશિયલ તપાસની તેમજ ખેડૂતના પરિવારને ~ એક કરોડનું વળતર આપવાની માગણી કરી છે. 

 ખેડૂત નેતા રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે 26 ફેબ્રુઆરીના રોજે ધોરીમાર્ગો પર એક ટ્રેક્ટર માર્ચનું આયોજન કરાશે અને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના પૂતળા પણ બાળવામાં આવશે કેમ કે ખેડૂતો નથી ઇચ્છતા કે કૃષિ ક્ષેત્ર આ આંતરરાષ્ટ્રીય સંગઠનના રહેમ હેઠળ રહે. એસકેએમે છ સભ્યની કમિટી બનાવી છે. આ કમિટી આંદોલનના ભાવિ પગલા અંગે નક્કી કરશે. ખેડૂતોએ બુધવારે એક ખેડૂતના મોત બાદ તેમની દિલ્હી કૂચ બે દિવસ માટે અટકાવી દીધી છે.