નવીદિલ્હી : ખેડૂતોના આંદોલન વચ્ચે દિલ્હી પોલીસે મોટો નિર્ણય લીધો છે. દિલ્હી પોલીસ ટિકરી અને સિંઘુ બોર્ડર પર ખેડૂતોને રોકવા માટે લગાવવામાં આવેલા બેરિકેડ્સને અસ્થાયી રૂપે હટાવી રહી છે જેથી રસ્તો સામાન્ય ટ્રાફિક માટે ખોલી શકાય. જણાવવામાં આવી રહ્યું છે કે પોલીસ બંને તરફના રોડનો એક ભાગ ટ્રાફિક માટે ખોલી રહી છે. ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશતા રોકવા માટે પોલીસે બંને સરહદો પર કોંક્રીટની દીવાલો લગાવી દીધી હતી.
દિલ્હી પોલીસ દ્વારા બેરીકેટ્સ હટાવવાની હિલચાલ વચ્ચે ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરનું નિવેદન પણ સામે આવ્યું છે.તેમણે કહ્યું કે આંદોલન ચાલુ રહેશે અને ભાવિ રણનીતિ અંગે ૨૯ ફેબ્રુઆરીએ મોટી જાહેરાત કરવામાં આવશે. તેમણે કહ્યું કે હાલમાં અમે તમામ સંગઠનોને બોલાવીને આંદોલનની રૂપરેખા અંગે ચર્ચા કરીશું અને પછી તેની જાહેરાત કરીશું.
પંજાબ-હરિયાણા બોર્ડર પર ખેડૂતો હજુ પણ લઘુત્તમ ટેકાના ભાવ સહિત લગભગ એક ડઝન માંગણીઓ સાથે ઉભા છે. ખેડૂતોએ બે વખત હરિયાણા સરહદ પાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હરિયાણા પોલીસે તેમનો પીછો કર્યો હતો. જે બાદ ખેડૂતો શંભુ બોર્ડર પર ઉભા છે અને દિલ્હી જવાનો નિર્ણય બે દિવસ માટે મોકૂફ રાખ્યો છે. ખેડૂત નેતાઓએ કહ્યું હતું કે તેઓ ૨૯ ફેબ્રુઆરી સુધી દિલ્હી કૂચ નહીં કરે.