અમદાવાદ, ત્રાગડ ગામમાં ૨૭ વર્ષથી તેલ કાઢવા માટે ખેડૂતની જમીન પર “બળજબરીથી કબજો” કરવા બદલ ગુજરાત હાઇકોર્ટે ઓઇલ અને નેચરલ ગેસ કોર્પોરેશનની ઝાટકણી કાઢી હતી. હાઈકોટે ઓએનજીસીના ચેરમેનને એફિડેવિટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો કે કોર્પોરેશન કાયમી ધોરણે જમીન સંપાદન કરશે કે ખેડૂતને પાછી આપશે અને આટલા વર્ષોના બળજબરીપૂર્વકના કબજા માટે નુક્સાનીનું વળતર ચૂકવશે.
ઓએનજીસી માટે મુશ્કેલી એ છે કે જમીનનું પાર્સલ હવે અમદાવાદ શહેરની ટાઉન પ્લાનિંગ સ્કીમનો ભાગ છે. આના કારણે તેનું મૂલ્ય અનેકગણું વધી ગયું છે અને ઓએનજીસી હવે તેનો ઉપયોગ તેલ કાઢવા માટે કરી શકશે નહીં . ઓએનજીસી સત્તાવાળાઓને ટીપી સ્કીમમાં ફેરફાર કરવા સમજાવવાનો પ્રયાસ કરી રહી છે, એમ કોર્પોરેશને હાઈકોર્ટને જણાવ્યું હતું.
શકરાજી ઠાકોરની ખેતીની જમીન ઓએનજીસી દ્વારા ૧૯૯૬માં ત્રણ વર્ષ માટે અસ્થાયી રૂપે હસ્તગત કરવામાં આવી હતી. બે તેલના કૂવા ખોદવામાં આવ્યા હતા અને તે હજુ પણ કાર્યરત છે. ઠાકોરે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને ઓએનજીસીને જમીન કાયમી ધોરણે અધિગ્રહણ કરવા અથવા નુક્સાનની ચૂકવણી સાથે ખાલી કરવા માટે નિર્દેશ આપવામાં આવે તેવી વિનંતી કરી હતી. તેણે ફરિયાદ કરી હતી કે ઓએનજીસી તેને બે દાયકાથી વધુ સમયથી મામૂલી ભાડું ચૂકવી રહી છે. તેને ન તો જમીનની કિંમત મળે છે અને ન તો તે તેનો ઉપયોગ કરી શકે છે. પ્રાથમિક સુનાવણી પછી, મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલ અને ન્યાયમૂત અનિરુદ્ધ માયીની બેન્ચે અવલોકન કર્યું કે ઓએનજીસીએ યોગ્ય પ્રક્રિયાને અનુસર્યા વિના જમીન પર પોતાનો કબજો ચાલુ રાખ્યો. “વર્તમાન પરિસ્થિતિ કાયદાની યોગ્ય પ્રક્રિયા વિના ગરીબ ખેડૂતો/જમીનધારકોની જમીનના બળજબરીથી સંપાદનનો એક પ્રકાર છે, જે ભારતના બંધારણની કલમ ૩૦૦છ માં ખાતરી આપેલા બંધારણીય અધિકારોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે,” એમ કોર્ટે જણાવ્યું હતું.બેન્ચે ઓએનજીસીની એફિડેવિટ પર અસંતોષ વ્યક્ત કર્યો હતો અને તેના સીએમડીને ૨૨ માર્ચ સુધીમાં નવેસરથી એફિડેવિટ દાખલ કરવા અને ઓએનજીસી જમીન સંપાદન અધિનિયમ, ૨૦૧૩ અનુસાર ઠાકોરની જમીન સંપાદિત કરશે કે તેને ખાલી કરશે અને તેના કબજાની ક્વાર્ટર સદી માટે નુક્સાની ચૂકવશે તે નક્કી કરવા નિર્દેશ આપ્યો છે.