- પેટીમાં બે વખત ૨૧ તોલા સોનાનો ધુપ આપવાનું કહી રકમ પડાવી પરંતુ પેટીમાંથી કશું ન નીકળ્યું.
અમરેલી,
વ્યક્તિ પાસે લોભ હોય ત્યાં ધુતારા કદી ભુખ્યા ન મરે એ કહેવતને દામનગરના કાચરડી ગામના એક ખેડૂતે સાચી કરી બતાવી છે. આ ખેડૂતને રસ્તામા મળી ગયેલા ચાર સાધુઓએ ચમત્કારથી રૂપિયા ૧૦ કરોડની રકમ અપાવવાની લાલચ આપી રૂપિયા ૨૩ લાખની છેતરપીંડી આચરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
દામનગર નજીક કાચરડી ગામના ધીરૂભાઇ ડાયાભાઇ કુકડીયા નામના ખેડૂત સાથે આ ઘટના બની છે જે અંગે તેણે ચાર અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમા તેણે જણાવ્યું છે કે ગત તા. ૨૦/૧૦/૨૨ના રોજ તેઓ ભાગવી રાખેલ વાડી નજીક રોડે બેઠા હતા ત્યારે એક કારમાં ત્રણ ભગવાધારી શખ્સો આવ્યા હતા અને જય ગીરનારી કહી જ્ઞાન અને ચમત્કારની વાતો કરવા લાગ્યા હતા. દક્ષિણા માંગતા ખેડૂતે મારી પાસે પૈસા નથી તેમ કહ્યુ હતુ. પરંતુ એક સાધુએ આ ખેડૂતના ઉપલા અને પાછલા ખીસ્સામાંથી ૫૦૦ની નોટો કાઢી બતાવી ચમત્કાર કર્યો હોવાનો ભાસ કરાવ્યો હતો. બાદમા આ શખ્સો મોબાઇલ નંબર આપી ચાલ્યા ગયા હતા. થોડા દિવસ બાદ ફોન કરી તને કર્જમાથી કાઢી દઇ સુખી કરી આપીશ તેમ કહી ૧૦ કરોડની રકમ મળશે તેવી લાલચ આપી હતી અને તેણે રાજકોટ નજીક બોલાવ્યો હતો. અવાવરૂ સ્થળે બાવળની કાટમા તે સમયે બે સાધુ હાજર હતા. તેની નજર સામે એક પેટીમા થોડા પૈસા ભર્યા હતા.
ચમત્કારથી આ પેટીને ધુપ દીધા બાદ પૈસા નીકળશે તેમ કહ્યું હતુ. આ પેટી તેને આપી દીધી હતી. તે વખતે ૨૩ ગ્રામ સોનાના દાગીના તેની પાસેથી લીધા હતા.બાદમા ૨૧ તોલાના સોનાનો ધુપ આપવો પડશે તેવુ બે વખત કહી તેની પાસેથી બે વખત ૧૦ લાખથી વધુની રકમ પડાવી હતી.
૧૦ કરોડની રકમ મળશે તેવી આશાએ ધીરૂભાઇ કુકડીયાએ પોતાના ઘરે ઘાસ નીચે સંતાડેલી પેટી ખોલીને જોતા તેમાંથી કશુ નીકળ્યુ ન હતુ. થોડા દિવસો સુધી આ શખ્સોએ ફોન પર અમે તારા ઘરે આવી વિધી કરીશુ તેવુ આશ્ર્વાસન આપ્યુ હતુ અને ત્યારબાદ ફોન પણ બંધ થઇ ગયો હતો. આબરૂ જવાની બીકે શરૂઆતમા તેમણે કોઇને વાત કરી ન હતી પરંતુ ૨૩ લાખની રકમ ડૂબતા આખરે પરિવારને વાત કરી ગઇકાલે તેઓ ફરિયાદ કરવા પોલીસ મથકે પહોંચ્યા હતા.
આ ખેડૂતને રાજકોટ નજીક અવાવરૂ જગ્યાએ બોલાવ્યા ત્યારે ત્યાં હાજર ત્રણમાથી એક સાધુ અચાનક જમીન પર પડી ગયો હતો અને મોંમાથી લોહીના કોગળા કરવા માંડયો હતો જેથી મુખ્ય સુત્રધારે ૨૧ તોલા ધુપની વિધી કરવી પડશે તેમ કહી આ ખેડૂતને ચમત્કારના વિશ્ર્વાસમા લીધા હતા. પેટીમાથી કશુ ન નીકળતા આ ખેડૂત વારંવાર ધુતારા શખ્સને ફોન કર્યો હતો. પરંતુ એક સાધુ દેવ થઇ ગયા છે અને કારજ પછી આવીશુ તથા મૌન વ્રત ચાલશે તેમ કહી ઘરે આવ્યા ન હતા અને બાદમા ઘરે આવવા નીકળ્યા હતા પણ એક્સીડેન્ટ થયુ છે પછી આવીશુ તેમ કહી અનેક દિવસો કાઢી નાખ્યા હતા અને બાદમા ફોન સ્વીચ ઓફ થઇ ગયો હતો.