ખેડૂત મિત્રોને જાણવા જોગ: મકાઈના ઊભા પાકમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન માટે લેવાના પગલાં

મકાઈના પાકમાં કાતરાના ઉપદ્રવના નિયંત્રણ માટે ખેતરમાં પ્રકાશ પિંજર ગોઠવવા, મકાઈમાં કાતરા, ગાભમારાની ઇયળ, લશ્કરી ઇયળ, લીલી ઇયળ, મોલો, તીતીઘોડા જેવી જીવાતોના ઉપદ્રવની શરૂઆતમાં લીંબોળીના મીંજનો ભૂકો અથવા લીમડાના પાન 500 ગ્રામ (5% અર્ક) 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો, કાતરાનો વધુ ઉપદ્રવ થયેથી ઇન્ડોક્ઝાકાર્બ 15.8 ઇસી 10 મિ.લી. અથવા એમામેક્ટીન બેન્ઝોએટ 5 એસજી 4 ગ્રામ 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

ગાભમારાની ઇયળના નિયંત્રણ માટે પાકના ઉગાવા બાદ 7 દિવસે ટ્રાઈકોગ્રામા ચીલોનીસ નામના પરજીવી 1 લાખ પ્રતિ હેકટરે છોડવાથી તેમજ વાવણી બાદ 20 થી 25 દિવસે ક્વિનાલફોસ 1.5 ટકા ભૂકીરૂપે અથવા કાર્બોક્યુરાન 3 જી 8 થી 10 કિ.ગ્રા. પ્રતિ હેકટરે છોડની ભૂંગળીમાં આપવી અથવા ડાયમિથોએટ 30 ઇસી 10 મિ.લિ. 10 લિટર પાણીમાં ભેળવી 20 થી 25 દિવસે છંટકાવ કરવો. જરૂર જણાય તો ફરીથી ગમે તે એક કીટનાશક 20 થી 25 દિવસે છાંટવી.

લશ્કરી ઇયળની પ્રથમ પેઢી જુલાઈ-ઑગષ્ટ માસમાં જોવા મળે છે. તે સમયે ક્વિનાલફોસ 1.5% ભૂકી હેકટરે 25 કિ.ગ્રા. પ્રમાણે સાંજના સમયે છાંટવી જેથી સપ્ટેમ્બર-ઑકટોબરમાં તેની બીજી-ત્રીજી પેઢીનો વિકાસ અટકાવી શકાય. ખેતરમાં થોડા થોડા અંતરે સુકા પાન અથવા ઘાસની નાની ઢગલીઓ કરવી જેથી ઇયળો તેની નીચે સંતાઇ રહે છે. આ ઇયળોને સવારે વીણી લઈ તેનો નાશ કરવો.

મકાઈના ઊભા પાકમાં મોલોના નિયંત્રણ માટે ખેતરમાં દાળીયા અને ક્રાયસોપા જીવાતની વસતી વધારવી જે આ જીવાતનું ભક્ષણ કરે છે. વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાવડર 40 ગ્રામ 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ જણાય તો ડાયમિથોઅએટ 30 ઈસી 10 મિ.લિ. અથવા ઈમિડાકલોપ્રિડ 17.8 એસએલ 4 મિ.લિ અથવા થાયોમેથોક્ઝામ 25 ડબલ્યુજી 4 ગ્રામ પૈકી કોઈપણ એક કીટનાશક 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

તીતીઘોડાના નિયંત્રણ માટે શેઢા-પાળા સાફસૂફ રાખવા જેથી બચ્ચાનું સહેલાઈથી નિયંત્રણ કરી શકાય તેમજ શરૂઆતમાં શેઢા-પાળા પર ક્વિનાલફોસ 1.5% ભૂકી અથવા ક્લોરપાયરીફોસ 15% ભૂકી છાંટવી જેથી બચ્ચાં નાશ પામશે. ખેતરમાં ઉભા પાકમાં ઉપદ્રવ જણાય તો હેકટરે 25 કિ.ગ્રા. પ્રમાણે ક્વિનાલફોસ 1.5% અથવા ક્લોરપાયરીફોસ 1.5% ભૂકીરૂપ કીટનાશક અથવા મેલાથીયોન 50 ઈસી 10 મિ.લિ. અથવા ક્વિનાલફોસ 25 ઇસી 20 મિ.લિ. 10 લિટર પાણીમાં મિશ્રણ કરી છંટકાવ કરવો.

લીલી ઇયળના સંકલિત વ્યવસ્થાપન માટે મકાઈના ડોડા દુધિયા દાણા અવસ્થાએ હોય ત્યારે રાત્રિના સમયે પ્રતિ હેકટરે એક પ્રકાશ પિંજર ગોઠવવું તેમજ હેકટર દીઠ 20 ફેરોમોન ટ્રેપ ગોઠવવા જેથી નર ફૂદાં તેમાં આકર્ષાઇને નાશ પામે છે. ન્યુકલીયર પોલી હેડ્રોસીસ વાયરસ (એનપીવી)નું 250 ઈયળ આક (લાર્વલ યુનિટ) વાળું દ્રાવણ 500 લિટર પાણીમાં ભેળવી એક હેકટર વિસ્તારમાં વહેલી સવારે અથવા સાંજના સમયે છંટકાવ કરવો. ઉપદ્રવની શરૂઆત થયે અને ત્યારબાદ દર પાંચ દિવસે 2 થી 3 છંટકાવ કરવા. જૈવિક નિયંત્રણ માટે બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુંનો પાવડર 10 ગ્રામ અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર 40 ગ્રામ 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

લશ્કરી ઇયળ અને લીલી ઇયળનો વધુ ઉપદ્રવ જણાય તો ક્વિનાલફોસ 25 ઈસી 20 મિ.લિ. અથવા ક્લોરપાયરીફોસ 20 ઇસી 20 મિ.લિ. 10 લિટર પાણીમાં મિશ્રણ કરી છંટકાવ કરવો, વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા જણાવવામાં આવે છે.

આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવો.