- પ્રાકૃતિક ખેતીના પાંચ સિધ્ધાંતો:બીજામૃત, આચ્છાદન (મલ્ચીંગ), મિશ્રપાક, જીવામૃત અને વાપસા.
- ભવિષ્યને તંદુરસ્ત બનાવવા માટે થઇને પણ પ્રાકૃતિક ખેતી અપનાવવી એ શ્રેષ્ઠ ઉપાય.
દાહોદ,દાહોદ જીલ્લામાં પ્રાકૃતિક ખેતીના આરંભથી રસાયણમુક્ત ખેતી તરફ જાગૃત ખેડૂતો જોડાઇ રહ્યા છે. પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળતા થયા છે. પ્રાકૃતિક ખેતી થકી ખેત પેદાશોની ગુણવત્તા વધી રહી છે. ખેડૂતોને પોતાની ઉત્પાદનનું યોગ્ય વળતળ મળી રહ્યું છે. બદલાતા વાતાવરણ તેમજ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને પ્રાકૃતિક ખેતી થકી સુધારો લાવી શકાય છે.
દાહોદ જીલ્લા તંત્રના સરાહનીય પ્રયાસ રૂપે સમગ્ર જીલ્લાના તમામ તાલુકાઓમાં ગામેગામ સમયાંતરે પ્રાકૃતિક ખેતી વિશેની તાલીમનું આયોજન મોડલ ફાર્મ જાહેર થયેલા પ્રાકૃતિક ફાર્મ ખાતે યોજવામાં આવે છે. જેના થકી તાલીમમાં પ્રાકૃતિક ખેતીના ફાયદા, જીવામૃત, બીજામૃત, ઘનામૃત બનાવવાની રીત સહિત પ્રાકૃતિક ખેતી સંલગ્ન અનેક બાબતો અંગે તેઓને માહિતગાર કરવામાં આવે છે.
આત્મા પ્રોજેક્ટના બી.ટી.એમ. મયંક સુથારે પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તાર પૂર્વક સમજ આપતાં જણાવ્યું હતું કે, જેટલી જમીન તંદુરસ્ત અને ફળદ્રુપ તેટલો પાક તંદુરસ્ત સારી ગુણવતા વાળો પાકશે. પ્રાકૃતિક ખેતી થકી જમીન ફળદ્રુપ બને છે. જેના કારણે ઉત્પાદનમાં દેખીતો ફેર પડી જાય છે. જમીન બન્જર બનતી અટકે અને ખેતી ખર્ચ પણ ઘટે છે. રસાયણિક ખેતી કરતા ખેડૂતમિત્રો જો પ્રાકૃતિક ખેતી અપનાવે ત્યારે ફક્ત એકાદ વર્ષની ધીરજ રાખવાની જરૂર છે. પ્રાકૃતિક ખેતી થકી ફક્ત એક વર્ષમાં જમીનને તંદુરસ્ત બનાવી શકાય છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આત્મા પ્રોજેક્ટની ટીમ દ્વારા પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતી અનેક તાલીમો પ્રેક્ટિકલ સાથે દાહોદ જીલ્લાના તમામ તાલુકાઓના નાનાં – મોટા સૌ ગામડાઓમાં યોજવામાં આવી રહી છે. જેમાં પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત, બીજામૃત, ઘનામૃત બનાવવાની રીત, આચ્છાદનનું મહત્વ, અળસિયાનું મહત્વ, આંતરપાક લેવાની રીત, કયા પાકો ખેતરમા ઉગાડવા, પક્ષીઓ અને જીવજંતુનું મહત્વ અને તેઓના જીવનચક્ર દ્વારા ખેતીને થતા ફાયદા સહિત પ્રાકૃતિક ખેતીનું માર્કેટ તથા પાકોની ગુણવત્તા ઉપર પણ વિગતવાર જાણકારી આપવામાં આવે છે.
તમામ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીની તાલીમ અને માર્ગદર્શન મેળવીને પ્રાકૃતિક ખેતીના મુળભુત સિધ્ધાંતો જેવા કે બીજામૃત, જવામૃત/ઘનજીવામૃત વગેરે તથા મીશ્રપાક/આંતરપાક અને આચ્છાદાન, વાફસા, વનસ્પતિજન્ય દવાઓની બનાવટ વગેરે જાતે જ પોતાના ફાર્મમાં બનાવીને પોતાના ખેતીમાં ઉપયોગ કરવો જોઈએ. હા, થોડી મહેનત કરવી પડશે. પણ અંતે તો મહેનત ખેતરમાં જરૂર દેખા દેશે કેમકે પ્રાકૃતિક ખેતી વડે ખુબ સારૂ ઉત્પાદન થાય છે.
પ્રાકૃતિક ખેતીને ટૂંકમાં સમજવા જઈએ તો ખેતી ખર્ચ નહિવત થશે, જમીનનું સ્વાસ્થ્ય તથા ફળદ્રુપતા સુધરશે, પર્યાવરણ અને કુદરતી સંસાધનોની જાળવણી થશે, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ ખર્ચ શૂન્ય થશે, દેશી ગાયની સાચવણી અને સંવર્ધન થશે.
પ્રાકૃતિક ખેતીના મુખ્ય પાંચ સિધ્ધાંતો છે જેમાં બીજામૃત, આચ્છાદન (મલ્ચીંગ), જૈવ વિવિધતા મિશ્ર પાક, જીવામૃત અને વાપસા. આ પદ્ધતિ અને સિદ્ધાંતોને અનુસરવાથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી આર્થિક રીતે પણ સદ્ધર થઇ શકાય છે. જેટલી જમીન તંદુરસ્ત એટલો પાક તંદુરસ્ત અને એટલા આપણે પણ તંદુરસ્ત. જેથી આવનાર ભવિષ્યને તંદુરસ્ત બનાવવા માટે થઇને પણ પ્રાકૃતિક ખેતી અપનાવવી એ શ્રેષ્ઠ ઉપાય છે.